મોરબીઃ શહેરની નગર પાલિકામાં સ્વભંડોળના તમામ ખર્ચના તપાસની માંગણી કરવામાં આવી છે. આ માંગણી મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કરી છે. ધારાસભ્ય દ્વારા સંકલન સમિતિ સહિત મુખ્ય પ્રધાન કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે.
અગાઉ હતી ભાજપ બોડીઃ મોરબી નગરપાલિકામાં અગાઉ ભાજપ બોડી કાર્યરત હતી. તે કાર્યકાળ દરમિયાન પાલિકાના સ્વભંડોળના નાણાં ક્યા વિકાસકાર્યોમાં વાપરવામાં આવ્યા તેની તપાસની માંગણી ભાજપના જ ધારાસભ્ય કાંતિ અમૃતિયા કરી રહ્યા છે. ભાજપ શાસિત પાલિકાએ પ્રજાના નાણાંનો ઉપયોગ પ્રજા કલ્યાણના કાર્યો કરવામાં કર્યો છે કે નહિ તેની તપાસની માંગણી ભાજપના જ ધારાસભ્યે કરી હોવાથી સમગ્ર મોરબી પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબીમાં જાહેર જીવનના 30 વર્ષમાં નથી થયા તેટલા કામો આગામી ૨ મહિનામાં થવાના છે. અંદાજે 150 કરોડના વિકાસકાર્યો થશે. સ્વભંડોળમાં હાલ સ્થિતિ ગંભીર છે 1 રુપિયાની આવક સામે ખર્ચ વધુ છે. દેવું પણ 15 કરોડ રુપિયા જેટલું છે. તેથી ખર્ચ ઓછા કરી ધીમે ધીમે ગાડી પાટે ચડાવવા અમે પ્રયત્ન કરીશું...કાંતિ અમૃતિયા (ધારાસભ્ય, મોરબી)
પ્રજાના નાણાંનો યોગ્ય હિસાબઃ મોરબી નગર પાલિકાના સ્વભંડોળના નાણાં રેતી, કપચી, ઈંટો તેમજ લાઈટમાં વપરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ હિસાબના આંકડા ધારાસભ્યને મંજૂર નથી તેમણે સ્વભંડોળના નાણાં ક્યાં વાપર્યા તેના ઊંડા તપાસની માંગણી કરી છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા હિસાબમાં ગેરરીતી સામે આવે તો આરોપી વિરુદ્ધ FIR માટે પણ તૈયાર છે. પ્રજા કલ્યાણના કામો માટે સ્વભંડોળ હોય છે. તેના નાણાંના યોગ્ય હિસાબના ઊંડાણપૂર્વકના તપાસની માંગણી ધારાસભ્ય કરી રહ્યા છે.