મોરબી: રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે સંદર્ભની નોટીસ ફટકારી લેખિત જવાબ માંગ્યો હતો. જોકે નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ ૫૨ સદસ્ય જવાબ આપવાથી સતત બચતા જોવા મળ્યા હતા અને જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા. જોકે આખરે સરકારે કડક કાર્યવાહી કરી છે અને મોરબી નગરપાલિકા સુપરસીડ કરી દેવામાં આવી છે.
સુપરસીડ મામલે નોટીસ: મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા સર્જાયેલી દુર્ઘટનાને પગલે 18 જાન્યુઆરીના રોજ સરકાર પક્ષે શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટીસ આપવામાં આવી હતી. જેમાં નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી તે અંગે 25 સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે ફટકારી નોટિસ: સરકાર તરફથી મળેલ નોટિસનો પાલિકાના ચૂંટાયેલા ૫૨ સદસ્યોએ જવાબ રજુ કરવાનો હતો. જો કે પાલિકા પાસે જરૂરી સાધનિક કાગળો અને આધાર પુરાવા ના હોવાનું બહાનું ધરી દેવામા આવ્યું હતું. તપાસ સમિતિ પાસેથી સાધનિક કાગળો અને દસ્તાવેજો માંગ્યા હતા. પાલિકા દ્વારા કરવામાં આવેલી માંગણીને ધ્યાને લઈને દસ્તાવેજો સુપરત કરવામાં આવ્યા હતા અને ફરીથી નોટીસ આપીને જવાબ આપવા તાકીદ કરી હતી. જેથી 15 ફેબ્રુઆરીના રોજ મોરબી નગરપાલિકાની ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં પ્રમુખ સ્થાનેથી અલગ તેમજ સદસ્યોએ અલગ જવાબ રજુ કર્યા હતા તે સમયે ઉપપ્રમુખે પાલિકાનો મુખ્ય રોલ નથી માત્ર રોજકામ કર્યાનું જણાવ્યું હતું તો પાલિકાના સદસ્યો એગ્રીમેન્ટ કાર્યવાહીથી અજાણ હતા અને 49 સદસ્યોને કશી જાણ ના હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: Morbi Bridge Collapse : મૃતકોના પરિજનોને 10 લાખના વળતરથી અસંતોષ, તેમને શું જોઇએ છે જાણો
135 માનવજિંદગીઓ હોમાઈ: દિવાળીના વેકેશનમાં ફરવા આવેલા બાળકો, મહિલાઓ સહિતના લોકો મોરબીના એતિહાસિક પુલ પર રજાની મોજ માણી રહ્યા હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જે દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવજિંદગીઓ હોમાઈ ગઈ હતી. જે મોરબી દુર્ઘટના મામલે ગુનો નોંધ્યા બાદ પોલીસે ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ, તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, ઓરેવા ગ્રુપના મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે અને બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર એમ નવ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ મેળવી જેલહવાલે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Morbi Bridge Collapse: હાઈકોર્ટે આપ્યો વચગાળાનો આદેશ, પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા હુકમ
10 આરોપીઓ ઝડપાયા: ઝૂલતો પુલ દુર્ઘટના બાદથી અંદાજે ૩ માસ જેટલો સમય ફરાર રહેલા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જેથી બાદમાં તેમની ધરપકડ કરીને રિમાન્ડ મેળવી પૂછપરછ કરવામાં આવી હતી અને જેલહવાલે કરવામાં આવ્યા છે. ઝૂલતો પુલ દુર્ઘટનામાં અગાઉ નવ અને બાદમાં ફરાર થયેલ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિતના તમામ 10 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે અને આરોપીઓએ જામીન અરજી મૂકી હોય જે પણ નીચલી અદાલતે ફગાવી દીધી છે. હાલ તમામ આરોપીઓ મોરબીની સબ જેલમાં બંધ છે.