મોરબી: જિલ્લામાં વિદેશી દારુ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા કરતા હોય છે. પોલીસ સઘન સર્ચ ઓપરેશન અને પેટ્રોલિંગ દ્વારા આ વિદેશી દારુની ઘુસણખોરી અટકાવતી હોય છે. જો કે હવે બુટલેગરોએ દારુની ઘુસણખોરીમાં નડતી સમસ્યાઓને હળવી બનાવવા માટે નકલી દારુની ફેક્ટરીનો રસ્તો અપનાવ્યો છે. મોરબીના રફાળેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવી જ એક નકલી દારુ બનાવવાની ફેકટરી ઝડપાઈ છે.
સમગ્ર ઘટનાક્રમઃ મોરબીના રફાળેશ્વર ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બાલાજી એન્ટરપ્રાઈઝ નામક ગોડાઉન ભાડે લેવામાં આવ્યું હતું. આ ભાડાના ગોડાઉનમાં ફિનાઈલ બનાવવામાં આવે છે તેવી વાતો ફેલાવી દેવામાં આવી હતી. જો કે ફિનાઈલના નામે અહીં ગોરખધંધા જ થતા હતા. બુટલેગરો એ નકલી વિદેશી દારુ બનાવવાનું કારખાનું અહીં શરુ કરી દીધું હતું. મોરબી એલસીબીની ટીમ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમણે આ ફેક્ટરી વિશે ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે સમય વેડફ્યા વિના સત્વરે આ ફેક્ટરી પર દરોડો પાડ્યો અને નકલી દારુ તેમજ અન્ય સામગ્રી એમ કુલ 15 લાખથી વધુ મુદ્દામાલ અને 11 ઈસમોને ઝડપી લીધા હતા.
15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તઃ નકલી દારુ બનાવતી ફેક્ટરીમાંથી મોરબી એલસીબીએ 10 લાખથી વધુની કિંમતની 2832 નંગ વિદેશી દારુની બોટલ્સ, સવા લાખની કિંમતનું 2500 લીટર નકલી વિદેશી દારુનું પ્રવાહી, અનેક પ્રકારના કેમિકલ, પાવડર, ખાલી બોટલ્સ, ઢાંકણા, ઈંગ્લિશ દારુના સ્ટિકરો, પેકિંગ મશિન, લેબ ટેસ્ટિંગ કિટ તથા 6 નંગ મોબાઈલ એમ કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કર્યો છે. આ ફેક્ટરીમાં કુલ 11 ઈસમો કાર્યરત હતા. પોલીસે તેમની પણ અટકાયત કરી છે. પ્રાથમિક પુછપરછમાં આ ઈસમો પગારદાર તરીકે કામ કરતા હોવાનું માલુમ પડ્યું છે. આ ફેક્ટરી ચલાવનાર મુખ્ય આરોપી સુરેશકુમાર હજુ પણ ફરાર છે.