જૂનાગઢ: આજે મહાશિવરાત્રીનું મહાપર્વ છે. વહેલી સવારથી જ ભવનાથ મહાદેવ મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો હાજરી આપીને મહાદેવના દર્શન કરીને ભારે ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. આજે દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શિવભક્તોનો માનવ મહેરામણ મહાદેવના દર્શન અને મહાશિવરાત્રીના તહેવાર ઉજવવા માટે ભવનાથ તળેટી તરફ આવી રહ્યો છે. આજે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન પણ કરશે તો સાથે સાથે રાત્રીના નીકળનારી નાગા સન્યાસીની રવેડીના દર્શન માટે પણ શિવભક્તો ભવનાથ તળેટી તરફ આવી રહ્યા છે.
મહાશિવરાત્રીનું મહાપર્વ મોટી સંખ્યામાં શિવ ભક્તોની હાજરી: ભવનાથ તળેટી ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોના માનવ મહેરામણથી ગુંજતી જોવા મળી રહી છે. આજે દિવસ દરમિયાન આ જ પ્રકારે શિવભક્તોનો પ્રવાહ સતત ભવનાથ મંદિર અને ગિરનાર તળેટી તરફ આવતો જોવા મળશે. આજે દિવસ દરમિયાન ભવનાથ તળેટી અને ભવનાથ મંદિરમાં આયોજિત થનારા વિવિધ કાર્યક્રમોમાં પણ શિવભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લઈને મહાશિવરાત્રીનું આ મહાપર્વ ઉજવશે.
લોકવાયકા અનુસાર, આજે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નની તિથિ પણ છે. તેથી ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો ભવનાથ મહાદેવના દર્શન કરીને મહાશિવરાત્રીનો તહેવાર ઉજવી રહ્યા છે.

રાત્રે 12:00 વાગે શિવરાત્રી મહોત્સવ થશે સંપન્ન: આજે દિવસ દરમિયાન ભવનાથ મંદિરમાં દર્શન-પૂજન મહા આરતી અને શણગારનો આયોજન પણ કરવામાં આવ્યું છે. સંભવત બપોરે 3:00 વાગ્યા બાદ ભવનાથ મંદિર સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. ત્રણ વાગ્યા બાદ ભવનાથ તળેટીમાંથી નીકળનારી નાગા સન્યાસીની રવેડીને લઈને મંદિરમાં તૈયારીઓ શરૂ થશે. ત્યારબાદ સામાન્ય દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરવામાં આવશે.

પરિણામે આજે સવારથી જ શિવભક્તો મહાશિવરાત્રીના તહેવારને લઈને ભવનાથ તળેટી તરફ આવી રહ્યા છે. આમ, આજે વહેલી સવારથી જ ભવનાથમાં હૈયે હૈયું દળાય તે પ્રકારનો માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે. આજે સમગ્ર દિવસ અને મધ્યરાત્રી સુધી આ જ પ્રકારે ભવનાથ તળેટીનો માહોલ શિવમય જોવા મળશે.
આ પણ વાંચો: