મોરબી : ગુજરાતમાં ડ્રગ અને ગાંજાનું દૂષણ વધી રહ્યું છે. જેના વચ્ચે નશાકારક સિરપનો પણ પગપેસારો થઈ રહ્યો છે. ત્યારે વાંકાનેરની સેન્સો ચોકડી પાસેથી કારમાં નશાકારક સીરપના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને વાંકાનેર પોલીસે ઝડપી પાડ્યો છે. વાંકાનેર તાલુકા પોલીસે 320 બોટલ નશાકારક સીરપનો જથ્થો અને કાર સહીત રુ. 2.48 લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નશાકારક સિરપની હેરાફેરી : મોરબી જિલ્લામાં આયુર્વેદિક દવાના ઓઠા હેઠળ નશાકારક સીરપનું વેચાણ થતું હોય છે. આવી ગેરકાયેસર પ્રવૃતિઓ રોકવા માટે જિલ્લા પોલીસ વડા અને DySP ની સુચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સરતાનપર રોડ પર સેન્સો ચોકડી પાસેથી એક ઇકો કાર્ગો ગાડી જેનો નંબર GJ36T8016 નીકળી હતી. આ ગાડીને રોકીને તલાશી લેવામાં આવી હતી.
લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત : પોલીસ તપાસ દરમિયાન કારચાલક માણાવદર તાલુકાના ખડીયા ગામના 24 વર્ષીય સુરેશ ચૌહાણના કબ્જામાંથી આયુર્વેદિક હર્બલ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વાંકાનેર પોલીસની કાર્યવાહી : વાંકાનેર પોલીસે કારમાંથી સીરપની અલગ અલગ બ્રાન્ડની રૂ. 48,000 કિંમતની કુલ 320 નંગ બોટલ જપ્ત કરી હતી. ઉપરાંત રૂ. ૨ લાખ કિંમતની કાર અને સીરપની બોટલ મળીને કુલ રૂ 2,48,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે CRPC કલમ 102 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બોટલનો જથ્થો ક્યાંથી મેળવ્યો છે તે દિશામાં વધુ તપાસ શરુ કરી છે.