મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે GST નંબર મેળવી 3852 ઈવે બીલ બનાવી કુલ 17.76 કરોડની GST ચોરી કરવામાં આવી છે. આ અંગે ગુનો નોંધાયા બાદ SOG ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેમાં અગાઉ આઠ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા છે. ત્યારબાદ વધુ ચાર આરોપીને ઝડપી લઈને શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા છે.
આ દરમિયાન વધુ બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં SOG પી આઈ જે. એમ. આલની ટીમે આરોપી કૃષ્ણકુમાર ઉર્ફે કિશન રમેશભાઈ ગૌસ્વામી રહેવાસી વાંકાનેર મૂળ ગાંધીનગર અને મનીષ ઉર્ફે મનો રામજીભાઈ ફેફર રહેવાસી મોરબી ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.
SOG ટીમે કરોડોના GST ચોરી કોભાંડમાં ચલાવેલી તપાસમાં અગાઉ ઝડપાયેલા ૧૨ આરોપીના ઘરની તપાસ દરમિયાન ૩ લેપટોપ અને એક કોમ્પ્યુટર કબજે લીધું છે. આ ઉપરાંત એક સિરામિક ફેક્ટરીને લગતા દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા છે.
SOGના સુત્રોએ જણાવ્યું કે, SOG ટીમે GST ચોરીના મસમોટા કોભાંડમાં હાલ સુધીમાં કુલ ૧૪ આરોપી ધરપકડ કરી છે.જોકે ધરપકડનો આંક હજુ સતત વધી શકે છે. માલ મોકલનાર ટ્રાન્સપોર્ટર અને વેપારીઓ સુધી તપાસ દરમિયાન વધુ લોકોના નામ આવી શકે છે. તેવી માહિતી પણ સુત્રોમાંથી મળી રહી છે.