મોરબી: શનિવારે જિલ્લા પંચાયતની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વર્ષ 2020-21નું 1.37 કરોડની પુરાંતવાળું કુલ 281 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આડેધડ થતાં બાંધકામો અટકાવવા માટે ગ્રામ પંચાયતો પાસેથી સૂચનો મંગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બજેટ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને D.D.O એસ.એમ.ખટાણાના અધ્યક્ષ સ્થાને રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 1.37 કરોડની પુરાંત સાથેનું 281 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. જેમાં સામાન્ય વહીવટ માટે 147.45 લાખ, પંચાયતના વિકાસ માટે 650.90 લાખ, શિક્ષણ માટે 75.33 લાખ, આરોગ્ય ક્ષેત્ર 16.02 લાખ, ખેતીવાડી અને પશુપાલન વિભાગ માટે 13.86 લાખ, સમાજ કલ્યાણ માટે 50 લાખ, સિંચાઈ ક્ષેત્ર માટે 41.75 લાખ તેમજ બાંધકામ ક્ષેત્રના વિકાસ માટે 155.12 લાખની ફાળવણી કરવામાં આવી છે.
સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી ધોરણ 6થી 12મા અભ્યાસ કરનારી 39,195 વિદ્યાર્થિનીઓને સેનેટરી નેપકીન વિતરણ કરવાનો ઠરાવ રજૂ કરીને તેને મંજૂરીની મહોર લગાવવામાં આવી છે, જયારે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે ધીરૂભાઈની નિમણૂંક કરવામાં આવી છે. આ બેઠકમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મહમદ જાવીદ પીરજાદા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.