મોરબીઃ શહેરમાં એક દલિત યુવકને પગાર ચૂકવવા જેવી સામાન્ય બાબતે અપમાનિત કરાયો હતો. આ યુવકે માલિક પાસેથી પગાર માંગતા તેને ઢોર માર મારવામાં આવ્યો. તેને અપમાનિત કરવા તેના મોઢામાં ચપ્પલ ખોસવામાં આવ્યું. આ ઘટનામાં વેઠ પ્રથા જેવી ઘટનાથી સમગ્ર અનુસૂચિત સમાજની લાગણીઓ ઘવાઈ છે તેમજ આ મામલે ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર મામલે પોલીસ કેસ કરવામાં આવ્યો છે. દલિત સમાજના આગેવાનોએ દિગ્ગજ રાજકારણીઓ અને કલેક્ટર કક્ષાએ ઉગ્ર રજૂઆતો કરી આવેદન પત્ર પાઠવ્યું છે.
સમગ્ર ઘટનાક્રમઃ શહેરમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાનો ઈન્ટરનેશનલ એક્સપોર્ટ ઈમ્પોર્ટનો વેપાર છે. આ કંપનીમાં યુવાન નોકરી કરતો હતો. નિલેશે સમયસર પગાર ચૂકવાયો નહતો. તેથી નિલેશે વારંવાર પગારની માંગણી કરી હતી. બનાવના દિવસે નિલેશે પોતાની ઓફિસ બોલાવી અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેટલું જ નહિ યુવકનું ઘોર અપમાન કરવા માટે તેના મોઢામાં ચપ્પલ પણ ખોસવામાં આવ્યું હતું. આ યુવકના 500 રુપિયા અને સ્માર્ટ વોચ પણ આરોપીઓએ પડાવી લીધી હતી. આ સમગ્ર મામલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ કાર્યવાહીઃ મોરબી પોલીસે આ યુવકની ફરિયાદ દાખલ કરી 5 આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને લૂંટનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફરિયાદીને અને તેમના ભાઈને સાથે રાખીને ઢોરમાર મારનાર અસામાજિક તત્વોની ઓળખવિધિ પણ હાથ ધરી હતી. પોલીસે આરોપીના ઘર અને ઓફિસની જડતી લીધી હતી. આરોપી હાથ ના લાગતા પોલીસે કુલ 3 સર્ચ ટીમો બનાવી છે. જેમાં એસસીએસટી સેલ, સિટી એ ડિવિઝન અને ડી સ્ટાફની ટીમોનો સમાવેશ થાય છે. એલસીબી ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આરોપીનો પાસપોર્ટ પણ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આજે મોટી સંખ્યામાં મોરબી દલિત સમાજના કલેક્ટર કચેરીએ ઉપસ્થિત થયા છે. રાણીબાએ નિલેશ દલસાણિયા યુવકને પગાર ચૂકવવા જેવી સામાન્ય બાબતે ઢોર માર માર્યો અને ઘોર અપમાન કરવા વેઠ પ્રથાના ઉદાહરણ સમાન ચપ્પલ મોઢામાં ખોસ્યું હતું. આ બનાવના વિરોધમાં કડકમાં કકડ પગલા લેવાય તે માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ. -રાજેશ ચૌહાણ,આગેવાન, દલિત સમાજ, મોરબી
મોરબી જિલ્લાના અનુસૂચિત આગેવાનો અને નાગરિકોમાં આ ઘટનાને લઈ ખૂબ જ રોષ ફેલાયેલ છે. દલિત યુવક નિલેશ દલસાણિયાને પગાર ચૂકવવા જેવી બાબતે બેલ્ટથી ઢોર માર મારવામાં આવ્યો હતો. અમારી એસપી રાહુલ ત્રિપાઠી સાથે મુલાકાત થઈ નથી. તેઓ અમારો ફોન પણ ઉપાડતા નથી. મોરબી જિલ્લા પોલીસ આ મામલે ગંભીર નથી. મોરબી પોલીસ એકાદ બે રાજકીય નેતાના ઈશારે કામ કરી રહી છે. અમે ધારાસભ્ય, સાંસદ, ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાનને વિનંતી કરીએ છીએ કે એસપી રાહુલ ત્રિપાઠીની તાત્કાલિક બદલી કરવામાં આવે...બાબુભઈ પરમાર, પ્રમુખ, ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, મોરબી
મોરબી પોલીસે આ યુવકની ફરિયાદ દાખલ કરી 5 આરોપી વિરુદ્ધ એટ્રોસિટી અને લૂંટનો ગુનો દાખલ કર્યો છે. ફરાર આરોપીને પકડવા માટે પોલીસે 3 સર્ચ ટીમ બનાવી છે. એલસીબી ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે...પી.એ.ઝાલા, DySP, મોરબી