મોરબીઃ વૈશ્વિક મહામારીમાં મોરબી જિલ્લામાં સરકારી કર્મચારીઓ દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ મોરબી ખાતે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા એક્ટિવ સર્વેલન્સ ટીમ બનાવીને કામગીરી સોંપવા અંગે સૂચના આપવામાં આવી હતી.
સૂચના અનુસાર જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા એક્ટિવ સર્વેલન્સ ટીમની રચના કરી વર્ગ 3-4ના કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. રેપીડ એક્ટીવ સર્વેલન્સ સર્વેની કામગીરી સામાન્ય રીતે અને યોગ્ય દિશા-નિર્દેશોનુસાર થાય તે માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ગેરહાજર રહેનારા 80 કર્મચારીઓને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે નોટિસ પાઠવી વૈશ્વિક મહામારીમાં કર્મચારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી ચલાવી ન લેતા કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.
આ ઉપરાંત સર્વેની કામગીરી યોગ્ય દિશામાં થાય તે માટે તારીખ 5 સપ્ટેમ્બરના રોજ ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ભાગ લેવા અંગેની સૂચનાઓ કર્મચારીઓને રૂબરૂ, મોબાઇલ તેમજ કચેરી મારફતે આપવામાં આવી હતી.
આ તાલીમની સૂચનાનો અનાદર કરી કોઇપણ કારણોસર તાલીમમાં ગેરહાજર રહેનાર 80થી વધુ કર્મચારીઓને ગેરહાજર રહેલા બદલ નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર ગેરહાજર રહેનારા કર્મચારીઓને તાલીમમાં ઉપસ્થિત ન રહીને સૂચનાનું ઉલ્લંઘન કરી બેદરકારી દાખવી હોવાનું માનીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 55 તથા 56 અને આઇ.પી.સી.ની કલમ 188 અનુસાર ફોજદારી કાર્યવાહી શા માટે ન કરવી તે અંગેનો ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.