મોરબીઃ ગત વર્ષની દિવાળી મોરબી માટે ગોઝારી રહી હતી. ગત દિવાળી દરમિયાન 30મી ઓક્ટોબરના રોજ મોરબી ઝુલતા પુલની દુર્ઘટના ઘટી હતી. આ ઝુલતો પુલ તુટી પડ્યો હતો તેમાં કુલ 135 નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ખોયો હતો. જેમાં 58 જેટલા બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઝુલતા પુલ વિશેઃ વર્ષ 1887માં મોરબી સ્ટેટ દ્વારા આ ઝુલતો પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલ માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર મોરબી પંથકની શાન બની ગયો હતો. એક બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ તરીકે પ્રવાસીઓ તેની મુલાકાત લેતા હતા. સરકાર દ્વારા અવાર નવાર આ પુલ સમારકામ પણ હાથ ધરવામાં આવતું હતું. સરકાર આ પુલના સમારકામ માટે ખાનગી એજન્સીઓને પણ કોન્ટ્રાક્ટ આપતી હતી. દુર્ઘટના થઈ તે અગાઉ ઓરેવા કંપનીને મેન્ટેનન્સ અને મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
30-10-2022નો ગોઝારો દિવસઃ વર્ષ 2022ની દિવાળી મોરબી જ નહિ સમગ્ર ગુજરાતના માથે કલંક લગાડીને ગઈ હતી. આ કલંક હતો મોરબી પુલ દુર્ઘટના. 30-10-2022, રવિવારની સાંજે બનેલ આ એક દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો હતો. મોરબી શહેરના નાગરિકો અને બહારથી આવેલ મુલાકાતીઓ સાથે આ પુલ ધડાકાભેર તુટીને નીચે વહેતી મચ્છુ નદીમાં ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં 58 જેટલા માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. મચ્છુ નદીનું પાણી ઘાયલો અને મૃતકોના લોહીથી ખરડાઈને લાલ થઈ ગયું હતું. સમગ્ર વાતાવરણ કરુણ ચીસોથી ભરાઈ ગયું હતું. આ સમાચારથી મોરબી શહેર જ નહીં પણ સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિત તંત્ર, પોલીસ, ફાયરબ્રિગેડ, NDRF, SDRF સિવાય ઈન્ડિયન નેવી પણ રેસ્કયુ ઓપરેશનમાં જોતરાઈ ગઈ હતી. ઈન્ડિય નેવીના તરવૈયાઓ પણ મૃતદેહો અને ઘાયલોને પાણીની બહાર કાઢવામાં જોડાયા હતા. આ દુર્ઘટનામાં 3 દિવસથી વધુ સમય સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનનો સીલસીલો ચાલ્યો હતો.
કાયદાકીય કાર્યવાહીઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપ સર મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સી, અધિકારીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિત 10 આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે. જયસુખ પટેલ લાંબા સમયથી જેલમાં બંધ છે તેમણે હજુ જામીન મળ્યા નથી. મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી હતી. તેથી જયસુખ પટેલ તરફથી હાઈ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. કુલ 10 આરોપીમાંથી 5ને જામીન મળ્યા છે જ્યારે 5 આરોપી જેલવાસ ભોગવી રહ્યા છે. સમગ્ર દુર્ઘટનાની તપાસ કરી રહેલ સીટ દ્વારા રિપોર્ટ હાઈકોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જેમાં ઓરેવા કંપનીની બેદરકારી અને જવાબદારીનો ઉલ્લેખ કરી ૩૦૨ ની કલમનો ઉમેરો કરવા માટે ભલામણ કરવામાં આવી છે.
સરકારી કાર્યવાહીઃ મોરબી પુલ દુર્ઘટનાની ખબર મળતાં જ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મોરબી આવી પહોંચ્યા હતા. તેમણે 3 દિવસ મોરબીમાં રોકાઈને સર્ચ, રેસ્ક્યુ ઓપરેશન તેમજ સમગ્ર કાર્યવાહીનું અવલોકન અને માર્ગદર્શન કર્યુ હતું. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લીધી હતી. તેમણે મૃતકો અને પીડિતોના પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી. નરેન્દ્ર મોદીએ હોસ્પિટલમાં જઈ ઘાયલોના ખબર અંતર પણ પુછ્યા હતા. મૃતકોને મુખ્યમંત્રી રાહત સહાય યોજનામાંથી તાત્કાલિક 4 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી તબીબી અને સુરક્ષા સહાય સઘન બનાવી દેવામાં આવી હતી.
મૃતકોના પરિવારની અવદશાઃ મોરબી પુલ દુર્ઘટનામાં પીડિતો અને મૃતકોનો પરિવાર હજુ પણ શોકમાં છે. આ પરિવારો હજુ પણ આ ઘટનાની યાદ આવતા ધૃજી ઉઠે છે. અનેક પરિવારે એકના એક આધાર ગુમાવ્યા હતા. સરકારી સહાય અને હૈયાધારણ સિવાય આ પરિવારો આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ન્યાય મળે તેવી આશા કરી રહ્યા છે. આ પરિવારોએ એકબીજાનું દુઃખ હળવું કરવા માટે અને એકમેકના સહારા બનવા માટે ટ્રેજેડી વિક્ટિમ એસોસિયેશન, મોરબીની રચના કરી છે.
આ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મેં મારો એકનો એક જુવાન દીકરો ગુમાવ્યો છે. અમારા પરિવારનો એક માત્ર આધાર હતો. અમે અત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ. ભગવાન અને સરકારને એક જ વિનંતી છે કે પાલિકાના દોષિત અધિકારીઓ, કોન્ટ્રાક્ટ લીધો હતો તે કંપની માલિકોને કડકમાં સજા થાય...નટવર ખાણધર(મૃતક ભૌતિકના પિતા, મોરબી)