મોરબી: તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં એક યુવક દ્વારા બાઈકના બોનેટ પર યુવતીને બેસાડીને હાઇવે પર જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હતા. જેને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે આ વીડિયોના આધારે બાઈક ચાલકનું પગેરૂ શોધીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
અશ્લીલ હરકતો સાથે યુગલોના જોખમી સ્ટંટ: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક યુવક હીરો સ્પેલન્ડર પ્લસ મોટર સાયકલ ચલાવી રહ્યો છે. તેની સાથે એક યુવતીને પેટ્રોલની ટાંકી પર બેસાડીને રાજપર ચોકડી થી રાજકોટ તરફ જતા હાઇવે રોડ પર ભયજનક સ્ટન્ટ કરવામાં આવ્યા હતા. જેને પગલે હાઇવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ યુવક-યુવતી પોતાના જીવને જોખમમાં મૂકીને આ પ્રકારના જોખમી સ્ટંટ સાથે અશ્લીલ હરકતો પણ કરવામાં આવી હતી.
સ્ત્રી મિત્ર સામે પણ કાર્યવાહી થશે: મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ વીડિયોમાં જોવા મળેલ મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર આધારે તેના ચાલક બળવંત ગોવિંદભાઇ ચાવડાની તેના રૂપિયા 20 હજારની કિંમતના મોટર સાયકલ સાથે ધરપકડ કરી હતી. તો બળવંત ચાવડાના સ્ત્રી મિત્ર સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
નવસારીમાં આવ્યો વીડિયો સામે: જોખમી રીતે બાઈક ચલાવવાનો ક્રેઝ જાણે વકરતો હોય તેમ એક પછી એક બાઈક સ્ટંટના વીડિયો સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ એક યુવતી દ્વારા ચાલુ બાઈકે સ્ટંટ કરવાનો વીડિયો વાયરલ કરાયો હતો. આ યુવતીની ધરપકડ નવસારી ટ્રાફિક પોલીસે કરી હતી. હવે ત્રણ યુવાનો દ્વારા જોખમી રીતે બાઈક ચલાવવું, ચાલુ બાઈકે સ્ટંટ કરવો તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા શહેર ટ્રાફિક વિભાગને આ બાબતે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. નવસારી ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જોખમી સ્ટંટ કરનાર બીલીમોરાના 3 યુવાનોની ધરપકડ કરી છે. આ યુવાનો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.