મોરબી: રવાપર ચોકડી ખાતે પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસે વધુ એક આરોપી જેનીથ ઉર્ફે જેનીયો ભીમાણીની અમદાવાદથી ધરપકડ કરી છે. જેને પોલીસ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરશે. આરોપીનો રોલ શું હતો અને આટલા દિવસ ક્યાં નાસતો ફરતો રહ્યો તેની પણ પોલીસ વધુ તપાસ કરશે.
છ આરોપી હાલ જેલ હવાલે: પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત ભગલાણી, ક્રીશ મેરજા, પ્રીત વડસોલા અને ડી.ડી.રબારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સાત આરોપીમાંથી એક ડી.ડી.રબારી જામીન મંજુર થયા છે તો અન્ય છ આરોપી હાલ જેલ હવાલે છે.
શું હતો મામલો: મળતી વિગત મુજબ ગત તારીખ 22 નવેમ્બરના રોજ મોરબીની ગાંધી સોસાયટીમાં રહેતા 21 વર્ષીય નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા નામના યુવાને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી સહિત અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે યુવક ગત 2 ઓક્ટોબરના રોજ રવાપર ચોકડી પાસે આવેલ કેપિટલ માર્કેટમાં ચોથા માળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ વિભાગમાં કામ કરતો હતો. મહીને 12 હજારના પગાર પર તે નોકરી કરી રહ્યો હતો.
પગાર માંગતા યુવક સાથે અમાનવીય વ્યવહાર: બાદમાં કોઈ કારણોસર 18 ઓક્ટોબરના રોજ યુવકને કામ પર આવવાની ના પાડી હતી. જેથી યુવાન ત્યાંથી નીકળી ગયો હતો. ઓફિસમાં મહિનાની પાંચ તારીખે પગાર જમા થતો હતો. પરંતુ યુવાનનો પગાર જમા ન થતા તે પગાર લેવા ઓફિસ પર પહોંચ્યો હતો. પરંતુ ઓફિસમાંથી યુવકને બાદમાં આવવા જણાવ્યું હતું. આથી યુવક ફરીથી ઓફિસ પર ફોન કરીને ગયો હતો. ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર તેના 2 સાથી સાથે ઓફિસ પહોંચ્યો ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. બે સાથી કોઈ રીતે ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ અજાણ્યા શખ્સોએ યુવકને પકડીને ઢોર માર માર્યો હતો.
માફી મંગાવી બનાવ્યો વીડિયો: યુવકે જણાવ્યું હતું કે, બાદમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ ત્યાં આવી ફડાકો માર્યો હતો અને મને અગાસી પર લઇ ગયા હતા. જ્યાં અજાણ્યા વ્યક્તિએ બેલ્ટથી પીઠના ભાગે માર માર્યો હતો. બાદમાં વિભૂતિ પટેલ યુવાન પાસે આવીને મારી પાસે તું મને ઓળખે છે કહીને યુવકને પગે પડીને માફી માંગવા કહ્યું હતું. ઉપરાંત યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી રાજ પટેલ સાઈડમાં લઈ ગયો હતો. જ્યાં મોબાઈલમાં ધમકાવીને એક વીડિયો બનાવેલ જેમાં યુવાન પાસે મોઢામાં ચપ્પલ લેવડાવી અપમાનિત કરતો વીડિયો બનાવી લીધો હતો.
પોલીસ ફરિયાદ: યુવકે બાદમાં આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા, ડી.ડી.રબારી અને પ્રિત વડસોલાની પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી ડી.ડી.રબારી જામીન અરજી અગાઉ મંજુર થઈ હતી. તો અન્ય છ આરોપીઓના તારીખ 1 સુધીના રિમાન્ડ પણ મંજુર થયા હતા. રિમાન્ડ બાદ છ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. છ આરોપીઓએ મોરબી સ્પેશિયલ એસ્ટ્રોસિટી કોર્ટેમાં જામીન અરજી મુકી હતી. જેમાં કોર્ટે દ્વારા આજે જામીન અરજી રદ કરવામાં આવી છે.