મોરબી: હવામાન વિભાગ દ્વારા મંગળવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે વહેલી સવારે મોરબી અને વાંકાનેરના આજુબાજુના વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ પડતાં ઠેર ઠેર નુકસાની સર્જાઈ હતી.
કમોસમી વરસાદને પગલે નુકસાન: હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી વાંકાનેરમાં કરાનો કમોસમી વરસાદ વરસ્યા બાદ અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું હતું. જેમાં ઠેરઠેર વૃક્ષો પડી જવા, વાહનોમાં નુકસાની, કાચા પતરાના શેડ ઉડી જવા તેમજ ઘરમાં રહેલા કાચ તુટવાની ઘટનાઓ સામે આવી છે. તો કેટલાય સિરામિક ફેકટરીના શેડ પણ કરાને કારણે તૂટી ગયા હતા.
સિરામિક ફેકટરીના પતરાં તૂટ્યાં: મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદાર મુકેશભાઈ કુંડારીયા જણાવ્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગને ઘણું નુકસાન થયું છે. જેમાં સિરામિક ફેકટરીના પતરાં તૂટી જવાથી અંદર પાણી ઘુસી ગયા છે અને શેડને પણ ઘણું નુકસાન થયું છે. તો સાથે સાથે ખેતીમાં પણ ઘણી નુકસાની થવાની હાલ ભીતિ સેવાય રહી છે.
મોરબીના ઘણા રસ્તાઓ અને ફેકટરીમાં બરફના કરા સાથેનો વરસાદ વરસતાં જાણે મોરબી નહી પણ મનાલી હોય તેવા નજારો જોવા મળ્યો હતો. મોરબીમાં કમોસમી વરસાદની શરૂઆત વચ્ચે ભારે પવન સાથે કમોસમી કરા સાથેનો વરસાદ વરસતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. સાથે જ તોફાની પવનના કારણે અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા હતા. સિરામિક ફેકટરીના પતરા ઉડવાની અને નુકશાની થઈ છે. મોરબીમાં પવન સાથે દસ મિનિટ સુધી કરા પડતા નુકશાની મોટા પ્રમાણમાં થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે.