મોરબી : વાંકાનેરમાં હસનપર નાલા પાસે એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. અહીં કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બાઈક પર સવાર પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે સારવાર દરમિયાન પિતાનું મોત થયું હતું. ઉપરાંત ઈજાગ્રસ્ત પુત્ર સારવાર હેઠળ છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જીવલેણ અકસ્માત : બનાવની મળતી વિગત મુજબ જયશ્રીબેન ભટ્ટીએ આરોપી કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદીના પતિ કમલેશભાઈ અને 13 વર્ષીય પુત્ર સુરેશ સાથે બાઈક લઈને ઘરેથી ઢુવા ખાતે આવેલ ઈન ડીઝાઇન સીરામીક કારખાનામાં કામ અર્થે જવા નીકળ્યા હતા. રાત્રીના સમયે પિતા-પુત્ર હસનપર નાલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે આરોપી કારચાલકે કમલેશભાઈના બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
પિતા-પુત્ર ઈજાગ્રસ્ત : આ અકસ્માતમાં કમલેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમજ પુત્ર સુરેશને પણ નાની મોટી ઇજા પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને આરોપી કારચાલક કાર મૂકીને ભાગી ગયો હતો. આ અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત પિતા-પુત્રને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે બંનેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
ઘરના મોભીનું મોત : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કમલેશભાઈનું મોત નીપજ્યું હતું. જ્યારે પુત્ર હજુ પણ સારવાર હેઠળ છે. આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસના મુકેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે.