મોરબી : મોરબી શહેરનો પંચાસર રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં નડતરરૂપ અનેક ગેરકાયદે દબાણો મામલે અગાઉ પ્રોપર્ટીધારકોને નોટિસ આપ્યા છતાં દબાણ હટાવવામાં આવ્યું નહોતું. ત્યારે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 200 જેટલા મકાન તોડી પાડવામાં આવ્યા છે.
મોરબી તંત્રની તવાઈ : મોરબીનો પંચાસર રોડ પહોળો કરવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ કામગીરીમાં નડતરરૂપ દબાણ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી મોરબી પાલિકા તંત્રએ અગાઉ પંચાસર રોડ પર ભારતપરામાં 30 થી વધુ વર્ષોથી કાચા-પાકા મકાન બનાવીને રહેતા 200 પરિવારોને નોટિસ આપી હતી. ઉપરાંત મકાનધારકો જાતે ઘર ખાલી નહીં કરે તો તંત્ર દ્વારા ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મેગા ડિમોલેશન ઝુંબેશ : આ નોટિસનો સમયગાળો પૂર્ણ થયા છતાં દબાણકારોએ દબાણો હટાવ્યા નહોતા. આજે મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને મોરબી પોલીસ DySP દ્વારા 120 જેટલા પોલીસ જવાન અને 15 પોલીસ અધિકારી સહિત ડેપ્યુટી કલેકટર, મામલતદાર, રેવન્યુ અને પાલિકાની 50 જેટલા સ્ટાફની ટીમને સાથે રાખી મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
200 થી વધુ મકાન તોડી પાડ્યા : મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું કે, રોડ પહોળો કરવામાં નડતરરૂપ બાંધકામ હટાવવા માટે લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. અનેક લોકોએ પોતાના મકાન સ્વૈચ્છીક ખાલી કરી નાખ્યા છે અને બાકી રહેતા મકાનો હટાવવા માટે હાલમાં પાંચ જેસીબી, આઠથી વધુ ટ્રેક્ટર સહિતના વાહનોના મોટા કાફલા સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું અને કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.