મોરબીઃ ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહી મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના સતત માર્ગદર્શન હેઠળ પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન મોકલવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને પોતાના વતન સન્માનજનક રીતે પહોંચાડવાની કામગીરીમાં મોરબી જિલ્લો અગ્રેસર રહ્યો છે. માત્ર 13 દિવસમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે મોરબી જિલ્લામાંથી અંદાજે 18500જેટલા શ્રમિકોને તેમના વતનના રાજ્યમાં પહોંચાડવાની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ એ જણાવ્યુ હતું.
મોરબી જિલ્લામાંથી ટ્રેન મારફતે મોકલાયેલા શ્રમિકો અંગે માહિતી આપતા અધિક કલેક્ટર કેતન પી. જોષીએ જણાવ્યું કે, તારીખ. 19મી મે મંગળવારની મધ્યરાત્રી સુધીમાં મોરબી જિલ્લામાંથી 14 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવાઇ છે. જેમાં અંદાજે 18500 જેટલા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન રવાના કરવામાં આવ્યા છે. 14 ટ્રેન પૈકી ઉત્તર પ્રદેશ માટે 4 ટ્રેન બિહારની 01, ઓડિશાની 04, મધ્યપ્રદેશની 03, ઝારખંડની 02 ટ્રેન દોડાવાઈ છે.
વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સિન્ગ સહિતના તમામ જરૂરી નિયમોના પાલન સાથે વધુને વધુ ટ્રેનો દોડાવવાની કવાયત કરવામાં આવી છે. જેમા આગામી દિવસોમાં ઉતરપ્રદેશ માટે 10, ઝારખંડ માટે 06, બિહાર માટે 02, ઓડીશા માટે 02 આમ મોરબી જિલ્લાના તમામ શ્રમિકો માટે વધુ 21 ટ્રેનની દરખાસ્ત કરવામાં આવેલી છે. જે તે રાજ્યની સંમતિ મળ્યે તુરંત જ સદરહુ શ્રમિકોને તેમના વતનમાં સન્માન જનક રીતે પરત પહોંચાડવામાં આવેશે.