હળવદ તાલુકાના ગામોમાં કેનાલના પાણી ખેતરોમાં ઘુસી જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં મયાપુર ગામે કેનાલ ઓવરફ્લો થવાના કારણે પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા હતા. તેમજ ખેતરમાં રહેલા ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. આ કેનાલમાં પાણી ઘુસી જવાની જાણ થતા હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ ત્યાં જઇને નર્મદા વિભાગને જાણ કરી હતી.
આ અધિકારીઓએ સાથે પરામર્શ કરીને કેનાલમાં પાણી બંધ કરાવ્યું હતું. બીજી તરફ નર્મદા વિભાગના અધિકારી પંકજભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, 14 કિમીની આ કેનાલ છે. જેમાં રાત્રીના જ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ તળાવ-નદીમાં પાણી ઠાલવવા માટે સરકાર પાસે રજૂઆત કરાઈ છે. જેથી પેટા કેનાલમાં પાણી છોડવામાં આવે તો અન્ય ખેડૂતોના ખેતરમાં પાણી ફરી ન વળે અને ખેડૂતોને નુકસાની ન આવે.