મોરબી: શહેરના લીલાપર રોડ પર સોસાયટીમાં રહેતા વોરાજીના મકાનમાં ગેસ બાટલો ફાટતાં પતિ પત્ની અને બાળક એમ ત્રણ વ્યક્તિ દાઝી ગયા હતાં. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
આ બનાવની મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ પર આવેલી સોસાયટીમાં આજે સવારના સમયે કોઈ કારણસર હુસેનભાઇ મોહમ્મદભાઈ નગરીયાના ઘરમાં કોઈ કારણોસર ગેસનો બાટલો ફાટતાં ઘરમાં રહેલા હાજર સભ્યો હુસેનભાઇ મોહમ્મદભાઈ નગરીયા, તેમની પત્ની સકિના બેન હુસેનભાઇ નગરીયા અને તેમનું છ વર્ષનું બાળક હસન ઉમર બાટલો ફાટતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘટનાની જાણ થતા 108ની ટીમના નિલેશભાઈ બારૈયા અને પાયલટ નિલેશભાઈ બકુત્રા દોડી ગયા હતા અને દાઝી ગયેલા પતિ, પત્ની અને બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે ગંભીર રીતે દાઝેલા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.
સવારના સમયે જ્યારે બાટલો ફાટ્યો ત્યારે ઘરના દરવાજા તેમજ ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ,પરંતુ આગ પર કાબુ આવે તે પહેલા પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા .