મોરબી: મોરબીના પ્રેમજીનગર (મકનસર) ગામના રહેવાસી શ્રમિક પરિવારમાં દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પોતાનું મકાન વહેંચેલ હોય જેના રૂપિયા બાબતે પત્ની સાથે ઝઘડો થતા છરીનો ઘા મારી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. ઝઘડામાં રામજીભાઈ નામના વ્યક્તિ પર પોતાની જ પત્ની ગંગાબેનની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે.
મૃતકના પુત્રએ પિતા વિરુદ્ધ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી: મૂળ ટંકારાના મોટા રામપરના વતની અને હાલ પ્રેમજીનગર (મકનસર) ગામે રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ રામજીભાઈ રાણવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જીતેન્દ્ર ભાઈ અને તેના પિતા રામજીભાઈ રાણવા કડીયાકામ કરતા હોય કોન્ટ્રાકટર મોતીભાઈ રહે રફાળેશ્વર વાળા સાથે કડિયાકામ માટે ગત તા 25ના રોજ ગયા હતા. કડીયાકામ પૂરું કરીને સાંજના સાડા સાતેક વાગ્યે ઘરે આવતા ફરિયાદીના માતા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જેથી જીતેન્દ્રભાઈએ માતાને ખોળામાં લીધા હતા ત્યારે આરોપી પિતા રામજીભાઈએ આવીને કહ્યું હતું કે આપણે જે મકાન વહેંચેલ તેના પૈસા બાબતે તારી મમ્મી સાથે ઝઘડો થયો છે કહીને તેઓ ભાગવા જતા ફરિયાદી પોતાના પિતાને પકડવા ગયા હતા પરંતુ તેઓ નાસી ગયા હતા.
આ પણ વાંચો Woman Committed Suicide in surat: પતિના ત્રાસને કારણે પત્નીએ ઘરમાં જ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
આરોપી પોલીસના હાથવેંતમાં હોવાની સુત્રો પાસેથી માહિતી: માતા લોહીલુહાણ હોવાથી 108 મારફત હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કર્યા હતા. આમ મૂળ ગામ રામપર ખાતે મકાન આવેલ હતું તે મકાન પંદરેક દિવસ પહેલા વહેંચ્યું હોય જેનો ઝઘડો થતા ફરિયાદીના પિતા આરોપી રામજીભાઈ ચકુભાઈ રાણવાએ પત્ની ગંગાબેનને છરીનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે તો આરોપી પતિ પોલીસના હાથવેંતમાં હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો Surat news: સુરતમાં એક સાથે બે વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
મોરબીમાં ઘરના ઉંબરા પાસે ચક્કર આવતા પડી ગયેલા વૃદ્ધનું મોત થયું: મોરબીના ગ્રીન ચોક પાસે રામજીયાણી શેરીમાં રહેતા ભુપતભાઈ અમરશીભાઈ ઝારીયા (ઉ.વ.65) નામના વૃદ્ધ પોતાના ઘર બહાર નીકળતા હોય ત્યારે ઘરના ઉંબરા પાસે પહોંચતા ચક્કર આવતા પડી ગયા હતા. જેથી પાડોશીઓએ રીક્ષામાં બેસાડી સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરનાર ડોકટરે જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા મોરબી સીટીએ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.