મોરબીઃ શહેરના રામઘાટ નજીક આવેલી રામાનંદી સાધુ સમાજની વાડીમાં લગ્નપ્રસંગમાં ડીજે વાગતું હતું. ત્યારે કેટલાંક સ્થાનિક લુખ્ખાઓએ ડીજે બંધ કરવા બાબતે મારામારી કરી હતી. જેમાં વરરાજાના સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી. ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નવલખી રોડ પર રહેતા વિનોદભાઈ રામાવત પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, "તેના દીકરા દિવ્યેશના લગ્ન હતા. જેથી 24 જાન્યુઆરીએ દાંડિયા પ્રોગ્રામ હોવાથી ડીજે વગાડતા હતા. ત્યારે આરોપી ઈસ્માઈલ બલોચ અને મુસ્તુફા નામના વ્યક્તિએ ડીસ્ટર્બ થાય છે તેમ કહી ડીજે નહિ વગાડવા જણાવ્યું હતું. ફરિયાદીએ ધીમે વગાડતાનું કહીને મામલો થાળે પાડ્યો હતો. છતાં ચાલું પ્રોગ્રામ આરોપી ઈસ્માઈલ બલોચ તેના નવ સાગરિતોને સાથે હથિયાર સાથે આવ્યો હતો અને ડીજે બંધ કરવાની ધમકી આપી મારામારી કરી હતી. જેમાં વિનોદભાઈ રામાવત, ઇન્દ્રપ્રસાદ રામાવત, શરદભાઈ કરસનદાસ, લાલજીભાઈ કરસનદાસ અને પ્રભુલભાઈ કરસનદાસને ગંભીર ઈજા થઈ હતી. જેમને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડાયા હતાં. બાદમાં મોરબી સીટી A ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, રામઘાટ પાસે આવેલી રામાનંદી સાધુ સમાજની વાડી નજીકના વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક કાયમી જોવા મળે છે. અવારનવાર લગ્ન પ્રસંગોમાં લુખ્ખા તત્વો હેરાન કરતા હોવાને ફરિયાદ ઉઠે છે. જેથી આ અંગે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી લોકમાગ પ્રબળ બની છે. હાલ, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મકબુલ નામના આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.