હળવદ તાલુકામાં ચાલુ વર્ષે 140% કરતા વધારે વરસાદ પડ્યો છે. જેમાં ખેડૂતોના ઉભા પાકને નુકશાની આવવાથી ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોએ જે પાક વિમો લીધો હતો, તે હજૂ સુધી ખેડૂતોને આપવામાં આવ્યો નથી. 'ઉલટા ચોર કોટવાલ કો ડાટે'ની કહેવત જેમ વીમા કંપનીએ ખેડૂતોને નોટિસ આપી છે કે, તમે સમય મર્યાદામાં અરજી ન કરી હોવાથી તમે વીમો લેવા પાત્ર બનતા નથી. જેથી મંગળવારે ગુજરાત કિસાન સંગઠનના ચેરમેન પાલ અંબલિયા અને રતનસિંહ ડોડીયાની આગેવાનીમાં મંગળવારે હળવદ તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું હતું.
વીમા કંપનીએ જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા સમયસર પોતાના તરફથી દસ્તાવેજી પુરાવો રજૂ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં પણ સરકારના પ્રતિનિધિઓએ જે બેદરકારી રાખી હોય તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. સરકારે નિયત સમય મર્યાદામાં અરજી કરી નથી. આ બાબતે સરકાર પણ મૌન છે, માટે પ્રધાનો અને સચિવો પણ ભ્રષ્ટાચારના ભાગીદાર છે. તેવો આક્ષેપ ખેડૂત આગેવાને કર્યો છે.
હળવદ તાલુકાના ખેડૂતોના જણાવ્યા અનુસાર, 30 વિઘા જમીન છે. જેમાં કપાસનો પાક લીધો હતો, પરંતું એક પણ રૂપિયાનો પાક આવ્યો નથી, તો તે પાકનો વીમો લીધો હતો. તેની અરજી પણ સમયસર કરી હતી. પાક વીમા કંપનીએ ખેડૂતોને પાક વીમો આપવાને બદલે સામે નોટિસ આપી છે. આ પાક આવ્યો હોત તો, અમારે ખેતરમાં માટીકામ, સાધનો રિપેરીંગ સહિતના ખર્ચ કરવાનો હતો, પાકમાં નુકશાની આવી અને પાક વિમો પણ ન આવતા અત્યારે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.
ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિ અને માવઠાના મારના કારણે ખેડૂતો કંગાળ બન્યા છે. પાક વીમાં કંપનીએ હળવદ તાલુકાના ખેડૂતોને પડ્યા પર પાટુ માર્યું છે. પાક વિમો આપવાને બદલે નોટિસ આપી જણાવ્યું છે કે, તમે પાક વીમા માટે સમય મર્યાદામાં અરજી કરી નથી. જેથી તમને પાક વીમો મળી શકશે નહીં. સરકાર વીમા કંપની પર દબાણ કરી વહેલી તકે પાક વીમો આવે, અને જો 7 દિવસમાં નહીં આપવામાં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. મામલતદાર જણાવ્યું હતું કે, જે કંઈ ગેરસમજ હશે તે વીમા કંપની સાથે વાત કરીને કલેકટરને રિપોર્ટ કરવામાં આવશે.