મોરબી: મોરબીમાં ખળભળાટ મચાવી નાખનાર નિખીલ હત્યાકાંડને આઠ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે. છતાં પણ હજુ સુધી પોલીસ હત્યારાઓ સુધી પહોંચી શકી નથી. હત્યા કોણે કરી ? શા માટે કરી ? તે હત્યાકાંડના સમગ્ર રહસ્ય હજુ અકબંધ છે. હત્યાકાંડની તપાસ સી.આઈ.ડી. ચલાવી આવી છે. છતાં કોઈ પરિણામ મળ્યું નથી. નીખીલ ધામેચા હત્યાકાંડને 8 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે મૃતકના પિતા પરેશભાઈ ધામેચાએ મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે પરેશભાઈના પુત્ર નીખીલ ધામેચા હત્યાને 8 વર્ષ પૂર્ણ થયા છે અને હજુ સુધી પરિવારને ન્યાય મળ્યો નથી. જેને પગલે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
શું હતો સમગ્ર કેસ: પુત્ર નીખીલ 15 ડિસેમ્બર 2015ના રોજ ગુમ થયો હતો. શનાળા રોડ જીઆઈડીસી પાસે તપોવન સ્કૂલથી એકટીવા પાછળ બેસાડી એક શખ્સ અપહરણ કરી જતો જોવા મળ્યો હતો. 17 ડિસેમ્બર 2015ના રોજ રામઘાટ પાસે કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. એકટીવામાં પાછળ બેસી નીખીલને લઇ જતાં દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જે અંગે એ ડીવીઝન પોલીસ ઉપરાંત જુદી જુદી એજન્સીઓ તપાસ કરી રહી હતી. આ ઘટનાને આઠ વર્ષ વીત્યા છતાં પોલીસ હત્યારા સુધી પહોંચી શકી નથી.
CID ક્રાઇમ દ્વારા કેસની તપાસ: આ કેસ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં કેસ CID ક્રાઇમને સોંપવામાં આવ્યો હતો. જેને પણ 5 વર્ષનો સમય વીતી ગયો છે છતાં યોગ્ય તપાસ થઇ નથી. પુત્ર નિખિલની હત્યા કોણે કરી ? શા માટે કરી તે તમામ પ્રશ્નોના ઉત્તર મળ્યા નથી. બાળકની હત્યામાં કોઈ મોટી વગર વ્યક્તિનો હાથ હોય એટલે ન્યાય મળવામાં વિલંબ થયો હોવાનું પણ જણાવ્યું છે. જેથી પરિવારે રજૂઆત કરી કેસની યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા માટે માંગ કરી છે.
પરિવારની ન્યાય માટે માંગ: આ હત્યા કેસની તપાસ CID ક્રાઈમ કરે તેવી માંગ બાદ આ કેસ સીઆઈડીને સોંપવામાં આવ્યો હતો. હત્યાકેસમાં 300થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. દસ્તાવેજો ઉપરાંત વિવિધ તપાસ અને નિવેદનો સહિતના ડોક્યુમેન્ટ સી.આઈ.ડી ક્રાઈમને સોંપવામાં આવ્યા છે. તો સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે તમામ દ્સ્તાવજો મેળવી અને નીખીલના પિતા પરેશભાઈ અને અન્ય સભ્યો સાથે પણ મુલકાત કરી હતી. જે સ્થળે અપરહણ થયું હતું તે સ્થળ, જ્યાંથી મૃતદેહ મળ્યો તે તમામ સ્થળો પર જાત તપાસ કરી હતી. હવે પરિવારની અપેક્ષા છે કે આરોપી જલ્દીથી ઝડપાય અને કડકમાં કડક સજા થાય. પરંતુ 8 વર્ષ વીત્યા છતાં પણ સીઆઈડીની ટીમ આરોપીનું પગેરું મેળવી શકી નથી.
પરિવાર દ્વારા અગાઉ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી હત્યારાઓને ઝડપી પાડવા માંગ કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે નીખીલ હત્યાકાંડને 8 વર્ષ જેટલો સમય વીત્યો છતાં પણ પોલીસની ટીમ કે સીઆઈડી કેમ આરોપીનું પગેરું મેળવી શકી નથી ? શું માસુમ નીખીલના હત્યારાઓ પકડાશે? શા માટે હત્યા કરી હતી તે બહાર આવશે ? જેવા અનેક સવાલો આજે પણ નીખીલના પરિવારને સતાવી રહ્યા છે.