મોરબી: ટંકારા તાલુકાના વાછ્કપર ગામની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે આરોપી રેડ દરમિયાન હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.
જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ સીટી પોલીસની બાતમીને આધારે ટંકારા પોલીસે વાછ્કપર ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. સરગવા ઢાળ વાળી સીમમાં આવેલી મહિપતસિંહ ટપુભા જાડેજાની વાડીની ઓરડીમાં દરોડો કર્યો હતો. જેમાં ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ 1176 કીમત રૂ 5 લાખ 45 હજાર 400નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જયારે આરોપી મહિપતસિંહ ટપુભા જાડેજા હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટ પોલીસે બાતમી આપી બાદમાં ટંકારા પોલીસે દરોડો કરતા અનેક સવાલો ઉભા થયા છે, દારૂનો મુદામાલ ટંકારા પોલીસની હદમાં હોવા છતાં પણ પોલીસ ઘોર નિંદ્રામાં હોવાથી પોલીસની નિષ્ફળતા પણ સામે આવે છે.