મોરબીઃ મોરબીમાં ગુનાખોરીની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે જિલ્લાના ટંકારામાં પાડોશમાં રહેતી યુવતીને યુવક ભગાડીને લઈ ગયો હતો. આ બાબતનો ખાર રાખીને પાડોશમાં રહેતા યુવતીના પરિવારજનોએ યુવકના પરિવારજનોને ઢોર માર માર્યો હતો. તેમ જ લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાથી આ મામલે મહિલા સહિત 4 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો Power theft: વીજચોરી પકડવા ગયેલી ટીમ પર હુમલો થતા સ્થાનિકો મેદાને, પુરવઠો બંધ કર્યો
છતર ગામના રહેવાસીએ નોંધાવી ફરિયાદઃ મળતી માહિતી અનુસાર, ટંકારાના છતર ગામના રહેવાસી મધુબેન ધીરૂભાઈ દારોદરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સાંજે તેઓ અને તેમના પતિ ધીરૂ વારૂ ફળિયામાં બેઠા હતા. તેમ જ પુત્ર મેરૂ અને કિશન વાતો કરતા હતા.
ફરિયાદીનો પુત્ર યુવતીને ભગાડી લઈ ગયોઃ તેમના ઘરની બાજુમાં રહેતા રણજિત બાધુબાઈ દારોદરાના મોટાભાઈ હરેશભાઈની દિકરી શિતલ કે, જે રાજકોટ ખાતે રહેતી હતી. તેને ફરિયાદીનો પુત્ર વિશાલ 5-6 દિવસ પહેલા ભગાડીને લઈ ગયો હતો. એટલે તેઓ ફળિયામાં ઊભા ઊભા અપશબ્દો બોલતા હતા. એટલે ફરિયાદી મધુબેન અને તેમના પતિએ તેમને રોક્યા હતા. ત્યારબાદ ફળિયાની બહાર નીકળતા તેઓ આરોપીઓને સમજાવવા લાગ્યા હતા.
ઘરની પાછળ કર્યો હુમલોઃ ત્યારે જ ઘરની પાછળ રહેતા રણજિતભાઈના કાકા ભાણજી સીદીભાઈ દારોદરા હાથમાં લાકડી લઈને આવ્યા હતી. તેમની પાછળ કંચનબેન અને તેના ભાઈ દિનેશભાઈ પણ આવ્યા અને ભાણજીભાઈ કહેવા લાગ્યા કે, તમે કુટુંબની જ છોકરીઓને ભગાડી જાવ છો. ત્યારબાદ તેઓ અપશબ્દો પણ બોલ્યા હતા, જેથી આ અમારા અને હરેશભાઈ વચ્ચેની વાત છે તમે કેમ વચ્ચે બોલો છો કહેતા ચારેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા. ત્યારબાદ તેઓ બોલાચાલી અને ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો MD Drugs Case Ahmedabad: સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો
પાડોશીએ માર માર્યોઃ તે દરમિયાન ભાણજીભાઈ પાસે લાકડી હોવાથી તેમણે ફરિયાદીના પતિ ધીરુભાઈને ઈજા પહોંચાડી હતી. તેમ જ હરેશ અને દિનેશે પતિને ઢીકા પાટુંનો માર મારવા લાગ્યા હતા, તેમ જ કંચનબેને ફરિયાદી મધુબેનને પકડી રાખી હતી અને અવાજ થતા ફરિયાદીનો દિકરો મેરૂ તેમ જ વિશાલ અને જેઠનો દિકરો વિપુલ અને તેની પત્ની કંચનબેન સહિતના બધા આવી ગયા હતા અને છુટા પડાવ્યા હતા.
પોલીસે નોંધી ફરિયાદઃ આ બનાવમાં ફરિયાદી મધુબેન, તેના પતિ ધીરૂભાઈ, દિકરો મેરૂ, જેઠનો દિકરો વિપુલ અને તેની પત્ની કંચનબેનને ઈજા થતા તેમને રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. તો ટંકારા પોલીસે આરોપી રણજિત બાધુભાઈ દારોદરા, ભાણજી સીદીભાઇ દારોદરા, દિનેશ સીદીભાઈ દારોદરા અને કંચનબેન ઉમેશભાઈ સામે મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.