મોરબી: મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે મોરબી તાલુકામાં અંદાજીત 200 ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે. 3 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી છેલ્લા દોઢ માસથી સતત વરસાદ થવાથી જરૂરિયાત કરતા વધુ વરસાદ ખાબક્યો છે જે ભારે વરસાદના પગલે તલ, અડદ, મગ, એરંડા, બાજરી અને જુવાર સહિતના પાકો 100 ટકા નુકશાન પામ્યાં છે. જયારે મગફળીમાં પણ વધારે વરસાદને કારણે જમીનમાં ફૂગ લાગી જવાથી 80 થી 90 ટકા નુકશાન થયું છે. તાલુકાના મુખ્ય પાક કપાસમાં 80 ટકાથી 95 ટકા ઓછું ઉત્પાદન મળે તેમ છે. જેથી મોરબી તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સરકારી ધારાધોરણ મુજબ મુજબ સહાય ચૂકવવા માગ કરી છે અને ૮ દિવસમાં યોગ્ય નિર્ણય ન કરાય તો 24 સપ્ટેમ્બરથી ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન અને સત્યાગ્રહ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
આજે તાલુકા સરપંચ એસોના આવેદન મામલે જિલ્લા કલેકટર જે બી પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં સીઝનનો સરેરાશ 40 ઇંચ જેટલો વરસાદ થયો છે જેથી પાક નુકશાની થઇ છે જે નુકશાની સર્વે માટે 51 ટીમો બનાવી સર્વે કામગીરી ચાલી રહી છે જેમાં 40 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તો સરપંચ એસોની રજૂઆતને સરકાર સુધી પહોંચાડીશું તેમ પણ જણાવાયું હતું.