- મોરબીમાં જૂદા-જૂદા 3 અકસ્માતોના બનાવો
- દૂર્ઘટનામાં એક મહિલા સહિત 3ના મોત
- પોલીસે ત્રણેય બનાવ અંગે કાર્યવાહી કરી શરુ
મોરબી: શહેર અને તાલુકામાં જૂદા-જૂદા 3 અકસ્માતોના બનાવો બન્યા હતા. જેમાં એક મહિલા સહિત ત્રણના મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો. મોરબી પોલીસે ત્રણેય બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં જૂદા-જૂદા 3 અકસ્માતોના બનાવો
પ્રથમ બનાવમાં મોરબીના ટીંબડી ગામે રહેતા દિનેશભાઈનું ચેકડેમમાં પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજા બનાવમાં મોરબીના રંગપર ગામની સીમમાં આવેલી લાફાંસ વિટ્રીફાઈડ ફેકટરીમાં રાકેશભાઈ નામના યુવાન કામ કરતા હતા, ત્યારે પાવડર બોરી માથે પડતા શ્વાસ રૂંધાઇ જતા મોત થયું હતું. તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
બે પુરુષ અને એક મહિલાનું મોત
જ્યારે ત્રીજા બનાવમાં મોરબીના સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીના રહેવાસી જશુબા નામના વૃધ્ધા પોતાના ઘરમાં પગ લપસી જતા પડી જવાથી ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું અને બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.