મોરબી મોરબી પોલીસ માટે આજે વિવિધ કેસોને લઇને ધમધમાટ કાર્યવાહી જોવા મળી રહી છે. એકતરફ મોરબી નજીક હાઈવે પર આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં બેસીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા નેટવર્ક કેસ સામે આવ્યો છે. તો અન્ય એક બનાવમાં ઉંચી માંડલ નજીક પોલીસે એક વર્ષના બાળકના મોત અંગે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. ક્રિકેટ સટ્ટા નેટવર્કના કેસમાં એલસીબી ટીમે તેનો પર્દાફાશ કરતાં ક્રિકેટ સટ્ટો રમાડતા આઠ ઇસમોને 5 લેપટોપ અને 15 મોબાઈલ સહિત 2.20 લાખના મુદામાલ સાથે ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો Morbi Crime : મોરબીના વેજીટેબલ રોડ પર બે પરિવાર બાખડ્યાં, સામસામી પોલીસ ફરિયાદ
મોરબીમાં ક્રિકેટ સટ્ટા નેટવર્કનો પર્દાફાશ સિરામિક સિટીના ફ્લેટમાં બેસી ભારત-શ્રીલંકા મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતી ગેંગ ઝડપાઈ છે. આ કિસ્સામાં મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આરોપી ચેતન કિશોર પલાણ નામનો ઇસમ આશિષ વાસવાણી સાથે મળીને મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ સિરામિક સિટીના એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં 704 માં ઓનલાઈન જુદી જુદી રમતો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકીમાં ઓનલાઈન સટ્ટો રમાડી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેથી મોરબી એલસીબી ટીમે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુદા જુદા ગ્રાહકો સાથે હારજીત અને રનફેર પર જુગાર રમાડતા આઠ ઈસમો ઝડપાયા હતાં.
આ પણ વાંચો Morbi : વ્યાજખોરીના ભડકાને બાળવા પોલીસની જનસંપર્ક સભા, 18 નાગરિકોએ કરી રજૂઆત
લેપટોપ, મોબાઇલ, રોકડ રકમ જપ્ત એલસીબી ટીમે સ્થળ પરથી 1.50 લાખની કિંમતનું લેપટોપ નંગ 05, 75,000ની કિંમતના 15 મોબાઈલ અને રોકડા રૂપિયા 5200 મળી કુલ રૂ.2,30,200 મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આરોપી સુધાન્શું જગદીશ નાથાણી રહેવાસી સિહોર એમપી, આકાશ દિલીપભાઈ ગુનવાની રહેવાસી બુરહાપુર એમપી, સાગર રમેશ અડવાની રહેવાસી બુરહાનપુર એમપી, રોહિત પ્યારેલાલ મીણા રહેવાસી સિહોર એમપી, સંજય ગોપીલાલ લોઢી રહેવાસી કટની એમપી, અશોક રૂપલાલ લોઢી રહેવાસી કટની એમપી, શેરૂસિંગ જયસિંગ સૂર્યવંશી રહેવાસી સિહોર એમપી અને નીતેશ લક્ષ્મણસિંગ સેન રહેવાસી સિહોર એમપી એમ આઠ ઇસમોને ઝડપી લીધા હતાં.
બે આરોપીની શોધખોળ મોરબી એલસીબી ટીમ રેઇડ દરમિયાન આરોપી ચેતન કિશોર પલાણ રહેવાસી મોરબી અને આશિષ વાસવાણી રહેવાસી ભોપાલ બેરાગઢ એમપીવાળા સ્થળ પર હાજર મળ્યાં ન હતાં. ત્યારે મોરબી સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
બાળકના મોતનો બનાવ મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ સિરામિકની ઓરડીમાં 1 વર્ષના બાળકના મોતનો બનાવ નોંધાયો છે. બાળકે ગરમ થતા પાણીમાં હાથ બોળતા હાથેપગે દાઝી ગયું હતું. બાળકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના ઉંચી માંડલ નજીક ઇટાલસ સિરામિકના કારખાનાની મજૂર ઓરડીમાં રહેતા સોહનભાઈ કટારાનો એક વર્ષનો દીકરો સત્યમ ગત 7 તારીખે ગેસના ચૂલા પર પાણી ગરમ થતું હતું તેેમાં હાથ બોળતા હાથેપગે શરીરે દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલામાં મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.