- કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પત્રકાર પરિષદ
- ભાજપ સરકાર પર કર્યા આકરા શાબ્દિક પ્રહાર
- ભાજપ સરકાર પર ગેરરીતિનો લગાવ્યો આરોપ
મોરબી: આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જેને લઈને હવે ભાજપ અને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. મોરબીમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. મનીષ દોશીએ કહ્યું કે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેમણે દેશના ગરીબ અને સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો હતો. જ્યારે ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓ બંધ કરીને શિક્ષણનો અધિકાર છીનવી રહી છે.
ભાજપ સરકારે શાળાઓને તાળા માર્યા: મનીષ દોશી
મનીષ દોશીએ જણાવ્યું કે, ભાજપ સરકારે ઓછી સંખ્યાના નામે 5223 જેટલી શાળાઓને તાળા મારી દીધા છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની 828 જેટલી શાળા પૈકી મોરબીમાં 75 શાળાઓને તાળા લાગી ગયા છે. આ ઉપરાંત મનીષ દોશીએ કહ્યું કે, રાજ્યમાં સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમાં મોટા પાયે ગેરરીતિ, પેપર ફૂટવા, લાખો રૂપિયાની લેવડદેવડ એ ભાજપ સરકારની ઓળખ બની ગઈ છે. આ સિવાય પણ અનેક મુદ્દે મનીષ દોશીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા.