મોરબી: અમદાવાદથી મહિલા પોલીસના માતા અને ભાઈ પોતાના વતન મોરબી જિલ્લામાં પરત ફર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકામાં મહિકા ગામના વતની અને હાલ અમદાવાદમાં જ્યોતિબેન ચંદુભાઈ ચાવડા તેના પુત્ર પૃથ્વીરાજ ચંદુભાઈ ચાવડા સાથે ગઈકાલે મોરબી જિલ્લાના વાંકાનેરના મહિકા ગામે પોતાના વતનમાં પરત ફર્યા હતા.
અમદાવાદ કોરોનાનો હોટ સ્પોટ બન્યો છે જ્યાં અનેક વિસ્તારોમાં તો કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી છે. રાજ્યમાં સૌથી ભયંકર સ્થિતિ અમદાવાદની છે તેમજ કોરોના સંક્રમણ અટકાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પરિવહન પર પ્રતિબંધ છે, ત્યારે મહિલા પોલીસના માતા અને ભાઈ અલગ અલગ વાહનો બદલાવીને વાંકાનેરના મહિકા ગામ પહોંચ્યા હતા. જે અંગે જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસે માતા અને પુત્ર સામે આઈપીસી કલમ 188,269 અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 (બી) મુજબ ગુન્હો નોંધયો છે.
જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ બંને સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે જોકે બંનેના આરોગ્યની તપાસ કર્યા બાદ બન્નેને કોરોનટાઈન કરવામાં આવ્યા છે અને આરોગ્ય ચકાસણી પૂર્ણ થયા બાદ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.