મોરબીઃ સરકાર દ્વારા લોકડાઉન વધારવાની જાહેરાત કર્યા બાદ કેટલાક ઔદ્યોગિક એકમોને મંજુરી આપવામાં આવી છે. ત્યારે જિલ્લામાં આવેલા જુદાજુદા યુનિટો દ્વારા કારખાના ચલાવવા માટેની મંજુરી માંગવામાં આવી હતી. જેમાંથી જિલ્લા કલેક્ટર દ્વારા હાલમાં 116 જેટલા મેડીકલ, કૃષિ, પ્લાસ્ટિક, પેકેજીંગ અને પોલીપેકના યુનીટને ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
ફૂડ પ્રોડક્ટ અને ફ્રુટ તેમજ શાકભાજીના પેકિંગ માટે પ્લાસ્ટિક પેકેજીંગ અને પેપેર પેકેજીન્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેથી જિલ્લામાં આવેલા પ્લાસ્ટિક, પેકેજીંગ અને પોલીપેકના યુનીટને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લામાંથી બીજા પણ કેટલાક કારખાનેદારો દ્વારા કારખાના ચલાવવા માટેની મંજૂરી માગવામાં આવી હતી. જોકે, કોરોના વાઇરસની અસરને ધ્યાનમાં રાખીને હાલમાં ફૂડના પેકિંગ માટે ઉપયોગમાં લઇ શકાય તે માટે પેકેજીંગ સહિતના જરૂરી યુનિટોને જ મંજૂરી આપવામાં આવી છે.