મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવામાં દેવળીયા રોડ ઉપર આવેલા મહાકાળી આશ્રમમાં દયાનંદગીરીજી મહારાજ અને અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ગત તા.૨૯ ઓકટોબરથી ચાલતા શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ અને રુદ્રયાગ ધર્મોત્સવનો મોટી સંખ્યામાં ભાવિકજનો લાભ લીધો હતો.
આ ભજન, ભોજન અને ભકિતના ધર્મોત્સવના કાર્યક્રમમાં રવિવારના રોજ રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ કથા શ્રવણનો લાભ લીધો હતો.
આ પ્રસંગે આયોજીત ધર્મસભામાં ઉદ્દબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આપણા શાસ્ત્રો, પુરાણોની કથા અને જ્ઞાન આપણને જીવન જીવવા નવી ચેતના તથા સારા કાર્યો કરવા પ્રેરે છે. તેમજ જીવનમાં નવી ચેતના અને ઊર્જા મળતી હોય છે. આપણો ભવ્ય ઇતિહાસ, પૂરાણો, ગીતા અને મહાપુરુષો આપણા જીવનને સ્વસ્થ બનાવી નિરાશા દૂર કરે છે.
આ તકે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત પાણીદાર બને અને નવી પેઢી માટે દુષ્કાળ ભૂતકાળ બને તે માટે આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. સૌરાષ્ટ્રની મહત્વાકાંક્ષી સૌની પરિયોજનાનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયો નર્મદાના નીરથી ભરવામાં આવશે.
ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગે CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં ભાઈબીજના દિવસે થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોની કૃષિ જણસોને નુકશાન થયું છે, ત્યારે બધાને ન્યાય મળશે. સરકાર તે માટે કેન્દ્ર સરકાર અને વીમા કંપની સાથે સંપર્કમાં જ છે અને બધાને ન્યાય મળશે તેવી હૈયા ધારણા પણ આપી હતી.