- મોરબીના કાલિકા પ્લોટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો બુકી ઝડપાયો
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો બુકી
- મોરબીમાં સટ્ટો રમાડતા બુકી પર એલસીબી પોલીસની કાર્યવાહી
મોરબીઃ આ અંગે મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે, મોરબીના કાલિકા પ્લોટ શેરી-4 ભવાની સોડા વાળી શેરીમાં સટ્ટો રમી રહ્યા છે. પોલીસે દરોડા પાડી સટ્ટો રમાડનારા આરોપી આસિફ ઉર્ફે ભાણો ઈકબાલ જુણાચને ઝડપી પાડ્યો હતો. આરોપી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ જોઈ ગ્રાહકો પાસેથી મોબાઈલ પર હાર જીતનો જુગાર રમી રમાડતો હતો. પોલીસે આ બુકી પાસેથી રૂ. 60,500નો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જ્યારે ત્રણ ગ્રાહકોના નામ ખૂલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે અન્ય ત્રણ આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી
આરોપી આસિફ ઉર્ફે ભાણો ઈકબાલભાઈ જુણાચ અન્ય આરોપી કરણ આર. સી. આંગડિયા (રહે. રાજકોટ), આરોપી અબ્દુલ હમીદ ઉર્ફે સુમન આદમભાઈ ચાનિયા (રહે. મોરબી વધાપરા) અને ભાવેશ જગદીશચંદ્ર પંડ્યા (રહે. રાજકોટવાળા) પાસેથી ક્રિકેટ સટ્ટો રમવા આઈડી મેળવી જુદા જુદા ગ્રાહકો સાથે મોબાઈલથી સંપર્ક કરતો હતો. મોબાઈલથી સંપર્ક કરી ક્રિકેટ સટ્ટો રમતા આરોપી આશિફ ઉર્ફે ભાણાને પોલીસે 1 મોબાઈલ, 1 એલઈડી ટીવી, 1 સેટઅપ બોક્સ તથા રોકડ રકમ રૂ.44,500 એમ કુલ મુદ્દામાલ રૂ. 60,500 સાથે ઝડપી પાડ્યો હતો.