- પાલિકા પૂર્વ પ્રમુખ અને ભાજપના કાર્યકરની ટિકિટની બાદબાકી
- પક્ષપલટો કરીને આવનારાને ટિકિટની ફાળવણી
- એક ઉમેદવારની ટિકિટ કપાઈ
મોરબીઃ મોરબી નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની ગુરુવારે યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરાના નામની બાદબાકી જોવા મળી હતી. એટલું જ નહીં વોર્ડ નંબર 08માંથી ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયાને ટિકિટ આપવામાં આવી હતી. જો કે, યાદી જાહેર થયાના 24 કલાકની અંદર ભાજપે પક્ષપલટો કરીને આવેલા ઉમેદવારોને ટિકિટ આપી હતી અને જાહેર કરવામાં આવેલી યાદીમાં ફેરફાર કર્યા હતા. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 10માંથી કેતન વિલપરાને ટિકિટ આપવામાં આવી છે, તો ભાજપના ઉમેદવાર પ્રભુ ભૂત 8 નંબરના વોર્ડમાંથી ચૂંટણી લડશે.
ભાજપે પોતાના સૌનિકનું આપ્યું બલિદાન
મોરબી પાલિકાના ઉમેદવારોના નામોની યાદીમાં ફેરફાર કરવાની પક્ષને ફરજ પડી હતી, ત્યારે પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા કેતન વિલપરાને સાચવવા ભાજપે પોતાના સૈનિકનું બલિદાન આપ્યાનો ઘાટ જોવા મળે છે. કેતન વિલપરાને વોર્ડ નંબર 10માંથી ટિકિટ આપી છે. જેથી પ્રભુભાઈ ભૂતને 8 નંબર વોર્ડમાંથી ટિકિટ ફાળવી છે. આ સાથે જ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ લલીત કામરીયાનું નામ ગુરુવારની યાદીમાં હતું, પરંતુ શુક્રવારની યાદીમાંથી એમનું નામ કમી થયું છે.
સક્ષમ કાર્યકરને કામ કરવાની તક
આ અંગે દુર્લભજી દેથરીયાએ જણાવ્યું કે, પાલિકાની યાદીમાં વધારે ફેરફાર નથી પણ વોર્ડ 10માં લલિત કામરીયા અને તેના પરિવારે સામુહિક નિર્ણય કરી ટિકિટની મનાઈ કરી છે અને કોઈ અન્ય કાર્યકરને ટિકિટ આપવા અંગે જણાવ્યું છે. જેથી કેતન વિલપરાને તેના સ્થાને ટિકિટ આપવમાં આવી છે.