મોરબી: ઝૂલતો પુલ દુર્ઘટનાની વાર્ષિક તિથિએ મુખ્યપ્રધાન નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રા યોજાશે. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે ગોઝારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યમંત્રી નિવાસ સુધી શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરાયું છે.
કડકમાં કડક સજા: વડાપ્રધાન સહિતનાને આવેદન આપ્યું ટ્રેજેડી વિકટીમ એસોસિએશન મોરબી દ્વારા દેશના વડાપ્રધાન, રાજ્યના મુખ્યપ્રધાન , રાજ્યના ડીજીપી અને અમદાવાદ કમિશનરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગત તારીખ 30-10-2022 ના રોજ ઝૂલતો પુલ દુર્ઘટના બની હતી. જેમાં મૃત્યુ પામેલા પૈકી 122 મૃતકના પરિવારજનો એસોસિએશન સાથે જોડાયેલા છે. કરૂણ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે પીડિત પરિવારોને ન્યાય મળશે. આ માનવસર્જિત દુર્ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેવી હૈયા ધારણા પણ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાનએ પરિવારોને આપવામાં આવી હતી.
સંપૂર્ણ જવાબદાર દર્શાવવામાં આવ્યા: ઓરેવા કંપનીના ડાયરેકટરને સખત આજીવન કેદની સજાની પણ માંગ ગત તારીખ 09-10-2023 ના રોજ સરકાર દ્વારા રચેલી સીટનો રિપોર્ટ હાઇકોર્ટમાં મુકાયો હતો. જેમા દુર્ઘટના માટે ઓરેવા કંપની, તેના ડાયરેકટર અને કર્મચારીઓ જ સંપૂર્ણ જવાબદાર દર્શાવવામાં આવ્યા છે. જેથી આરોપીઓ સામેનો કેસ સ્પીડ ટ્રાયલમાં ચલાવવામાં આવે અને સખ્ત આજીવન કેદની સજા આપવામાં આવે ત્યારે જ અકાળે અવસાન પામેલા સ્વજનોના આત્માને શાંતિ મળશે.
શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન: દુર્ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે તારીખ 30 ના રોજ પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ગાંધી આશ્રમથી મુખ્યપ્રધાન નિવાસ ગાંધીનગર સુધી 24 કિલોમીટર સુધીની શ્રદ્ધાંજલિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાંજલિ યાત્રા સવારે 6 કલાકે ગાંધી આશ્રમ અમદાવાદ થી શરૂ થશે. જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના 200 જેટલા પરિવારજનો જોડાશે.