મોરબી: મોરબીમાં અનુસૂચીત જાતિના યુવાન કર્મચારીએ પગારની માંગણી કરતા પગાર આપવાને બદલે માર મારવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે. જોકે આરોપીઓ આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી પણ તે રદ થઇ હતી અને પોલીસ સતત તપાસમાં હતી જેમાં એક આરોપી હાલ ઝડપાયો છે.
યુવાને પગાર માંગતા 12 આરોપીઓએ માર માર્યો: મોરબીમાં રેહતા એક યુવકે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત તેમજ ડી.ડી રબારી અને અજાણ્યા સાત ઈસમો સહીત કુલ 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે તે રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ઓફિસમાં માર્કેટીગનું કામ કરતો અને 16 દિવસનો પગાર બાકી હતો. પગાર માંગતા આરોપીઓએ માર મારી ઈજા પહોંચાડી તેમજ મોઢામાં ચપ્પલ લેવડાવી અપમાનિત કરી બળજબરીપૂર્વક માફી મંગાવતો વીડિયો બનાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી: જે બનાવને પગલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી રબારી એમ પાંચ આરોપીઓએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે રદ કરી હતી અને રાણીબા વિરુદ્ધ એક વધુ ફરિયાદ જેમાં સોશિયલ મીડિયામાં તલાવર વડે કેક કાપતો હોવાની વીડિયો વાયરલ થયા બાદ નોંધાઈ છે.
એક આરોપીને મોરબી પોલીસે ઝડપી પાડ્યો: જે આગોતરા જામીન અરજી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટના સ્પેશિયલ જજ વી.એ બુદ્ધે રદ કરી હતી. દરમિયાન આ અંગેની વધુ તપાસ મોરબી dysp પી.એ ઝાલા ચલાવી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે પોલીસ ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હોય જેમાં આરોપી ડી.ડી રબારીને ઝડપી લેવામાં આવ્યો છે તો અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. ઝડપાયેલ આરોપીના રિમાન્ડ નામંજૂર થતા જેલ હવાલે કર્યો છે.