મોરબી : મોરબી-માળીયા હાઈવે આજે લોહીથી લથબથ થઈ ગયો હતો. માળીયા અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે એક વાહનનું ટાયર ફાટતા બીજા વાહન સાથે અથડાયા બાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોરબીના લોહાણા પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સામખીયારી નજીકના કટારીયા ગામે માતાજીના દર્શન કરીને લોહાણા પરિવાર પરત ફરી રહ્યો હતો.
આ પણ વાંચો - અમદાવાદ- ધાંગધ્રા હાઇવે પર એક ભયંકર અકસ્માત, ડ્રાઈવર બળીને થયો ભડથું
પાંચ લોકોના થયા મોત - દર્શનાર્થેથી પરત ફરી રહેલા મોરબીના વકીલ પિયુષ રવેશિયાના માતા-પિતા અને પાંચ વર્ષની બાળકી સહિત મહિલા તલાટીનું મોત થયું હતું. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રવાસેથી પરત ફરી રહેલા કચ્છના પરિવારના ટેમ્પો ટ્રાવેલ્સમાં કારનું ટાયર ફાટતા અકસ્માતમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ગંભીર અને કરૂણ અકસ્માતની જાણ થતા રાજ્યપ્રધાન મેરજા, સહકારી આગેવાન મગન વડાવીયા અને મોરબી લોહાણા સમાજના આગેવાનો દ્નારા તમામને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મૃતકને અપાશે સહાય - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરબી - માળીયા હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતને અત્યંત દુઃખદ ઘટના ગણાવી હતી અને આ અકસ્માતમાં મૃત્યુ પામનારા અને ઇજાગ્રસ્ત થનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 વ્યક્તિઓને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતક દીઠ 4 લાખ અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને રૂપિયા 50,000ની આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો - Accident in Surat: બાળકીની બહાર ફરવાની જીદે આખા પરિવારને ચોધાર આંસુએ રડાવ્યા