મોરબીઃ સુરતથી કચ્છ જતી કારને માળીયા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ખીરઈ ગામ નજીક કન્ટેનર અને ક્રેટા કાર ટકરાતા કારમાં સવાર ત્રણ યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય ત્રણને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં.
મળતી માહિતી મુજબ માળીયા હાઈવે પર ખીરઈ ગામ પાસેથી પસાર થતી ક્રેટા કાર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. આ અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રાજેન્દ્ર સુભાષ અને યાગનેન્દ્રસિંહ એમ ત્રણ યુવાનના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ યુવાનને નાની મોટી ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા માળિયા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ અકસ્માતના બનાવને પગલે માળીયા પોલીસ ટીમ પણ દોડી ગઈ હતી. માળીયા PSI રાજુભાઈ ટાપરીયા પાસેથી મળતી માહિતી મુજબ ક્રેટા કારમાં સવાર યુવાનો સુરતથી મુન્દ્રા પોર્ટ પર કામકાજ અર્થે જતા હતા. એક્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલ હોય જેથી સુરતથી કાર લઈને કચ્છના મુન્દ્રા પોર્ટ પર જતા હતાં, ત્યારે માળિયા હાઇવે પર અકસ્માત સર્જાતા ત્રણ યુવાનના મોત થયા છે, તો ત્રણ યુવાનને ઈજા પહોંચી છે. માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.