- મોરબીમાં લાલપર ગામ નજીક હત્યાનો બનાવ
- બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ કરી યુવાનની હત્યા
- પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબી: લાલપર ગામ પાસે આવેલા સબ સ્ટેશન પાછળના ભાગમાં બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ એક યુવાનને છરી બતાવતા તે યુવાન નાસી ગયો હતો. અન્ય યુવાન ત્યાં આવતા નાસી છુટેલા યુવાનની મદદે આવ્યો હોવાનું સમજીને ત્રણ શખ્સોએ યુવાનને છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું. જે બનાવ મામલે ત્રણ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઘટનાની સંપૂર્ણ વિગત
મળતી માહિતી અનુસાર મોરબીના લાલપર પાસેના લેટીના સિરામિકમાં મજુરીકામ કરતા લીલાબેન ઉર્ફે લલીતાબેન વરસિંગભાઈ વહનીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિની ગઈકાલે ત્રણ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. જે ફરિયાદમાં જણાવ્યું છે કે, લેટીના સિરામિક પાસેથી સાંજના સુમારે સુનીલભાઈ પોતાનું કામ પૂરું કરીને રૂમ તરફ જતા હતા. ત્યારે બાઈક પર આવેલ અજાણ્યા ત્રણ શખ્સોએ તેમને છરી બતાવી હતી. ત્યારે સુનીલ નાસી ગયો હતો. આ દરમિયાન ફરિયાદી લીલાબેનના પતિ વરસિંગભાઈ ત્યાંથી પસાર થતા હતા. જેથી ત્રણ અજાણ્યા શખ્સો નાસી ગયેલા યુવાનને છોડાવવા આ યુવાન આવ્યો હોય તેવું અનુમાન લગાવી છરીનો ઘા છાતીમાં ઝીંકી દીધો હતો. જેથી યુવાનનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.