- બે માસની અથાગ મહેનત બાદ પરિવારનો પત્તો મેળવાયો
- જિલ્લા બાળ સુરક્ષાની ટીમની મહેનત રંગ લાવી
- બાળકનો પરિવાર સિરામિકમાં મજુરી કરે છે જેના આધારે તપાસ કરી
- જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી
મોરબી : ગુજરાતમાં રોજગારી મેળવવા અર્થે લાખો પરપ્રાંતિયો કામ-ધંધો, મજૂરી કરીને પેટીયું રળવા માટે આવે છે. આવું જ એક પરિવાર મોરબીમાં મજૂરી અર્થે આવ્યું હતું. સિરામિકના કારખાનામાં મજૂરી કરતાં આ પરિવારના બે પુત્રો એક દિવસ રમતા રમતાં ક્યાં નીકળી ગયા ખબર ન રહી. ઘણી શોધખોળ કરી પરંતુ મળ્યા નહીં.
બે માસની અથાગ મહેનત બાદ પરિવારનો પત્તો મેળવાયો
બીજી તરફ 4-5 વર્ષની ઉંમરના બન્ને બાળકો રમતા રમતા દૂર સુધી એક પેટ્રોલ પંપ નજીક એકલા અટૂલા ફરતાં હતા. ત્યારે પેટ્રોલ પંપમાં કામ કરતાં વ્યક્તિએ સ્થાનિક પોલીસને જાણ કરી અને પોલીસે બાળકોને જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટિ સમક્ષ રજૂ કરી એડોપ્શન એક્ટ અંતર્ગત ખોવાયેલ બાળકો અંગે અખબારોમાં જાહેરખબર આપી માતા-પિતાને શોધવા માટે અથાગ પ્રયાસો કર્યાં. બન્ને બાળકોને માતા-પિતા અને ઘર જેવી જ હૂંફ મળી રહે તે માટે શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં આ બાળકોને ખાવા-પીવા, રહેવા, ઓઢવા-પાથરવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન બાળકોનું યોગ્ય રીતે કાઉન્સેલીંગ થાય તે માટે કાઉન્સેલરની વ્યવસ્થા કરી બાળકો ક્યાંના છે? તેમના નામ? માતા-પિતાના નામ? પોતે ક્યાંના છે? અહીં કયા વિસ્તારમાં રહે છે? સહિતની વિગતો મેળવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ બાળકો પોતે માતા-પિતાથી દૂર ખોવાઇ ગયાનો અહેસાસ થતાં ડરી ગયા હતા અને કંઇ પણ બોલી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. પરંતુ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ ડી. શેરશિયા સહિતની ટીમ દ્વારા બાળકોનું સતત કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું હતું.
જીલ્લા બાળ સુરક્ષાની ટીમના અથાર્ગ મહેનત રંગ લાવી
શરૂઆતમાં તો આ બન્ને બાળકો પોતાનું નામ કે અન્ય કોઇ વિગતો બોલી શકતા ન હતા. પરંતુ બાળ સુરક્ષા એકમ દ્વારા પ્રેમ અને લાગણીના વ્યવહારો બાદ વિશ્વાસમાં લઇને બાળકોને બોલતા કર્યા. પરંતુ બાળકો પોતે ઝારખંડના હોવાથી પોતાની સ્થાનિક ભાષા બોલતા હતા એટલે ઝારખંડની સ્થાનિક ભાષા સમજી શકે તેવા દુભાષીયાની પણ મદદ લેવાઇ અને મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમના સઘન અને સતત પ્રયાસથી બાળકના માતા-પિતા શોધવા માટે એક પછી એક કડીઓ મળવા લાગી. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે પણ આ બાબતે અંગત રસ લઇને બાળકોને તેમના માતા-પિતા મળી જાય તે માટે અનેકવિધ પ્રયાસો કર્યા અને ટીમને માર્ગદર્શન આપ્યું. એક પછી એક કડી મળતી ગઇ ત્યારે બાળકો જ્યાંથી મળી આવ્યા હતા ત્યાં ફરીથી તેને લઇ જવામાં આવ્યા.
બાળકનો પરિવાર સિરામિકમાં મજુરી કરે છે જેના આધારે તપાસ કરી
ત્યાં દુભાષીયાની મદદથી અનેક પ્રકારની પૂછપરછ કર્યાં બાદ માલુમ પડ્યું કે અહીં તેમના માતા-પિતા દૂરની એક સિરામીક કંપનીમાં મજૂરી કામ કરે છે. આમ વાતને ધ્યાને લઇને અહીંની ફેક્ટરીઓમાં ઝારખંડના વતની હોય તેવા મજૂરોની તપાસ કરતાં બે સગા ભાઇઓના પિતાની ભાળ મળી અને તેના પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું.