- મોરબીના આરોગ્ય કર્મચારીઓએ કોરોના રસી લેવાની કહી ના
- સરકાર પહેલા અમારી માગણી સંતોષે તો જ રસી લઈશુંઃ આરોગ્ય કર્મચારીઓ
- માગ નહીં સંતોષાય ત્યાં સુધી કોરોના વેક્સન નહીં જ લઈએઃ આરોગ્ય કર્મચારીઓ
મોરબીઃ આરોગ્ય વિભાગમાં કામ કરતા 286 જેટલા કર્મચારીઓ કોરોનાની રસી નહીં લે તેઓ તેમણે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર પાસે તેઓ ગ્રેડ પેની માગણી સાથે કેટલાક દિવસથી હડતાળમાં ઊતર્યા છે અને જ્યાં સુધી સરકાર તેમની માગ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ કામ પર પરત નહીં ફરે તેમ જ કોરોનાની રસી પણ નહીં લે. કોરોના કાળમાં આરોગ્ય કર્મચારીઓએ ઘરે ઘરે જઈને લોકોની તપાસણી અને સેવા કરી હતી. આથી કોરોનાની રસી ઉપલબ્ધ થતા સરકારે સૌપ્રથમ કોરોનાની રસી આરોગ્ય કર્મીઓને આપવાનું નક્કી કર્યું છે.
ગ્રેડ પેની માગ સાથે આરોગ્યકર્મીઓ હડતાળ પર છે
હાલમાં આરોગ્ય કર્મીઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે તેવા સમયે મોરબી જિલ્લાના આરોગ્યકર્મીઓએ કોરોનાની રસી નહિ લે એવું સ્પષ્ટ કહી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રેડ પેની માગ સાથે તેઓ લડત ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર તેમની માગણી ન સ્વીકારતી હોવાથી અંતે તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે અને કોરોનાની રસી ન લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સરકાર જ્યાં સુધી તેમની માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ કોરોનાની રસી નહીં લે.
સ્વેચ્છાએ રસી લેવા માગતા લોકોને રસી અપાશે
આરોગ્ય કર્મચારીની હડતાળ અને રસી ન લેવા બાબતે તાલુકા આરોગ્ય અધિકારીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને કોરોના રસી જે કર્મચારી સ્વેચ્છાએ લેવા માગતા હશે તેને આપવામાં આવે તેમ જણાવ્યું હતું. તો હાલમાં કોરોના રસીકરણ ચાલી રહ્યું છે અને આરોગ્ય કર્મચારીઓની હડતાળથી કોઈ ફેર પડ્યો નથી અને રાજ્ય કક્ષાએથી સમજાવવાના પ્રયાસો શરુ હોવાનું જાણવા મળ્યું હતું.