મોરબીઃ શહેરના રહેવાસી પાર્થ વ્યાસ અને મિલન ડાંગર આ બંને વિદ્યાર્થીઓ ચીનમાં રહીને મેડીકલ અભ્યાસ કરતા હતાં. ચીનના નાન્ચંગ શહેરમાં આવેલી જીઆનક્ષી યુનીવર્સીટી ઓફ ટ્રેડીશનલ ચાઇનીઝ મેડીસીનમાં અભ્યાસ કરતા હોય તે દરમિયાન તાજેતરમાં જે કોરોના વાયરસે ચીનમાં હાહાકાર મચાવ્યો છે અને સમગ્ર ચીનમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દુનિયાભરના દેશો પોતાના નાગરિકોને પરત લઇ આવી રહ્યા છે. મોરબીના બંને વિદ્યાર્થીઓની સલામતી માટે તેને ભારત પરત લઇ આવવા જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની વિનંતીને પગલે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ચીનના બેઇજીંગમાં ભારતીય એમ્બેસેડરને પત્ર લખીને બંને વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસો કર્યા હતા અને ચીન ખાતેના ભારતીય દુતાવાસમાંથી બંને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને મદદ મળી હતી અને તેઓ હેમખેમ પરત આવી ગયા છે. જેને અમદાવાદ એરપોર્ટ પર બંને વિદ્યાર્થીઓને રીસીવ કરતી વેળાએ પરિવાર ભાવુક થયો હતો.
સુખદ બાબત એ રહી છે કે, બંને વિદ્યાર્થીઓ ચીનથી પરત આવતા હોય જેથી એરપોર્ટ પર તેના મેડીકલ ચેકઅપ કરાયા હતા. જેમાં કોરોના વાયરસની બંને વિદ્યાર્થીઓને કોઈ અસર થઇ નથી અને તેઓ હેમખેમ ઘરે પરત ફરતા પરિવારે સાંસદ અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.