મોરબીઃ શહેરના વાવડી રોડ પર પ્લેટિના સિરામિકના ભાગીદાર હિતેશભાઈ સરડવા તા. 25-02ના રોજ પોતાની કાર લઈને ઓફિસે પહોંચ્યા હતા. આ દરમિયાન 2 અજાણ્યા ઈસમો મોટરસાઈકલ પર આવી હિતેશભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટીને તેમને ધોકો મારી તેની પાસેથી રોકડ રકમ રૂ 15.80 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
આ બનાવ LCB ક્રાઈમની ટીમ ભેદ ઉકેલવા કાર્યરત થઈ હતી. LCB ટીમને આરોપીઓ તેમના વતન રાધનપુર નાસી ગયા હોવાની બાતમી મળી હતી. આરોપીઓ પર બે દિવસ સુધી સતત વોચ રાખવામાં આવી હતી અને ગુનો આચરનારા ઈસમોની ઓળખ કરાઈ હતી. આ ત્રણેય આરોપી સોમવારે મોરબી આઈટીઆઈ પાછળ, સિલ્વર પાર્ક સોસાયટી પોતાના ઘરે આવવાના હોવાની બાતની મળી હતી. જેથી LCB અને A ડિવિઝન ટીમે વોચ ગોઠવી આરોપી ભરત દયારામ ચાવડા, વિક્રમ સુડાભાઈ દિલેસા રહે બંને રાધનપુર જિ. પાટણ અને ચંદુભાઈ ઉર્ફે ચનો મોહન ભિલોટા રહે સોલૈયા તા. માણાસા ગાંધીનગર મૂળ રાધનપુર વાળાને ઝડપી લઈને લૂંટમાં ગયેલા પૈકી 10 લાખની રોકડ, હોન્ડા સહીત કુલ રૂ 10,70,000 નો મુદામાલ જપ્ત કર્યો છે.
લૂંટના ગુનામાં ઝડપાયેલા ત્રણ પૈકી એક ઈસમ ભોગ બનનારા ઉદ્યોગપતિની જ પ્લેટિના સિરામિક જ્યારે અન્ય બે નજીકની ફેક્ટરીમાં નોકરી કરતા હતા. આ ઈસમોએ માહિતી મેળવી રોકડ રકમની હેરાફેરી થતી હોવાની માહિતીને પગલે આ લૂંટના બનાવને અંજામ આપ્યો હતો.