મહેસાણા : ભારતમાં ખેતી-ઉત્પાદનના નિયંત્રિત બજારો અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં આર્થિક ક્ષેત્રે ખેડૂતોની સ્થિતિ ખૂબ નબળી હતી. અને ખેતીવાડી ઉત્પાદન ક્ષેત્રે પણ કોઈ ખાસ પ્રગતિ થઈ ન હતી. તો વળી ગામડાઓમાં અભણ ખેડૂતો સહુકારો પર આધીન અને તેમની પક્કડમાં નભતા હતા. ત્યારે ગરીબ ખેડૂતો હમેશાં શાહુકારો પર આર્થિક મદદની આશા રાખતા અને શાહુકારો ગરીબ ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવી શોષણ કરતા હતા. ખેડૂતો પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ શાહુકારો પાસે ઉધાર લેતા હતા. તેના બદલામાં વર્ષે દિવસે ઉત્પાદન થયેલ પોતાની ખેત પેદાશો શાહુકારોને આપી દેતા હતા. જો કે, આ પદ્ધતિમાં ખેડૂતો પોતે અભણ હોઈ શાહુકારોના ખોટા ભાવ , ખોટું તોલ અને ખોટી રીતે કરાતી કપાતના ભોગ બની દિવસેને દિવસે ગરીબીમાં સપડાતા જતા હતા.
જે બાદ વેપારીઓ દ્વારા અઠવાડિયે અને પખવાડિયે મેળો કરી ખેડૂતોનો માલ ખરીદી કરવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી જો કે, તેમાં પણ છેતરપિંડીનો ભોગ બનવાનો વારો પણ ખેડૂતને જ આવતો હતો. ત્યારે ખેડૂતોની ચિંતા કરતા કેટલાક ક્રાંતિકારીના પ્રયાસથી ગુજરાતમાં વર્ષ 1929માં ગુજરાત રોયલ એક્ટ બહાર પડ્યો. આ કાયદા આધારે ખેડૂતોને યોગ્ય ભાવ અને ખેત ઉત્પાદનોના વેપારની સુમેળ ભરી પધ્ધતિ વિકસાવવામાં આવી. આમ 23 ઓક્ટોમ્બર 1954માં ગુજરાત નહિ, પરંતુ ભારતભરમાં ગૌરવ અપાવતી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના મોહનભાઇ હરિભાઈ પટેલ દ્વારા પોતાના સમર્થકો સાથે કરવામાં આવી અને તે સમયે ઊંઝા સાથે સિદ્ધપુર અને ઉનાવા માર્કેટયાર્ડ ઊંઝા મુખ્ય યાર્ડના સબ યાર્ડ તરીકે સંચાલનમાં આવ્યા હતા. જો કે, સમય જતા સારી કામગીરીના સંચાલન માટે સબયાર્ડ સિદ્ધપુર અને ઉનાવાને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો.
ઊંઝા માર્કેટયાર્ડમાં આજે જીરું, વરિયાળી, ઇસબગુલ, અને રાયડો(રાઈ) સહિતના ખેત ઉત્પાદન લઈ ખેડૂતો વેપાર માટે આવી રહ્યા છે. ત્યારે સહકારના ઉદેશ સાથે ખેડૂતોના વિકાસ માટે ઊંઝા APMC દ્વારા ખેડૂતોના ઉત્પાદનોનું યોગ તોલ કરી ગુણવત્તા પ્રમાણેના સારા ભાવ આપવા સહિતની કામગીરી જાહેર હરાજી દ્વારા કરી બને તેટલો ખેડૂતોને ફાયદો અપાવવામાં આવી રહ્યો છે. અહીં સ્થાનિક ખેડૂતો જ નહી. પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના પ્રદેશોમાંથી ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનના સારા ભાવ મેળવવા આવે છે. ઊંઝામાં આવતા ખેત ઉત્પાદનોને દેશ વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવરએ આ APMCમાં થાય છે. આ સાથે અહીં શ્રમજીવી તરીકે કાર્ય કરતા રાજસ્થાની મજૂરો APMCમાં આવતા માલ સામાનને વાહનોમાંથી ઉતરવા અને ચડાવવા સહિતનું કામ કરી પોતે પણ સારી એવી કમાણી કરી લે છે.
ઊંઝા APMC એ સમય જતા ના માત્ર ખેડૂતો પરંતુ APMC સાથે જોડાયેલા તમામ લોકોની ચિંતા કરતા ઊંઝા તાલુકાના નાગરિકો માટે જૂથ વિમા યોજના, પાક સહાય યોજનાની અમલવારી, ટપક સિંચાઈ યોજના માટે આર્થિક લાભ, ખેતરોમાં પાકની રક્ષા માટે વાયર ફેંસિંગ યોજના હેઠળ 40 ટકા આર્થિક સહાય સાથે તાડપત્રીઓનું વિતરણ, જમીન ચકાસણી માટે નજીવા ખર્ચે પરીક્ષણ કરી આપવાની વ્યવસ્થા, 24 કલાક માટે એમ્બ્યુલન્સ અને ફાયર સેફટીની સેવા, ઊંઝા તાલુકાના કુપોષિત બાળકોને દત્તક લઈ પોષણ સભર બનાવવાનો પ્રયાસ સહિતની સામાજિક અને શૈક્ષણિક સેવાઓ અને સહાય આપવા સુધીની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.
ઊંઝા APMCએ એશિયાની પ્રથમ શ્રેણીની APMC છે. ત્યારે અહીં ખેડૂતો, વેપારીઓ, મજૂરો અને APMCના સ્ટાફ સહિત સામાન્ય નાગરિકોને પણ નજીવા ખર્ચે ભોજન માટે અદ્યતન ભોજનાલય બનવવામાં આવ્યું છે. જેમાં મશીન થકી એક મિનિટમાં અસંખ્ય રોટલીઓ બને છે. તો ઘર કરતા પણ સારો અને પૌષ્ટિક આહાર ભોજનાલયમાં પીરસવામાં આવે છે.
આમ ઊંઝા APMCના માત્ર મહેસાણા જિલ્લાને પરંતુ દેશને પણ એશિયાની અગ્રેસર APMCનું ગૌરવ અપાવે છે.