મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલ એક મોટું કુકરવાડા ગામ છે. જ્યાં રહેતા મોટાભાગના લોકો ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામમાં રહેતા બિપિનભાઈ પટેલે પોતાના અડધો વીઘા જમીનમાંથી સારું ઉત્પાદન અને આવક કેવી રીતે મેંળવવી તેના અભ્યાસ બાદ ખેતરમાં મિલિયા ડુબીયા નામના લીમડાના 500 છોડ એ રીતે રોપ્યા છે કે, વચ્ચે વધતી જગ્યામાં એરંડા કપાસ જેવા પાકો પણ ઉગાડી શકાય છે.
બિપિનભાઈ માટે પોતાના ભાગે આવેલી અડધો વીઘા જમીનમાં પ્રગતિ કરવી માટે મુશ્કેલ હતી. પરંતુ તેમને કૃષિ વિભાગ અને સરકાર દ્વારા મળતી સલાહ અને સબસીડીનો લાભ લઈ મિલિયા ડુબીયા લીમડાના છોડ રોપ્યા હતા.
આજે આ ખેડૂતના ખેતરમાં વર્ષમાં લીમડાના વૃક્ષ 15 ફૂટ ઊંચે પહોંચ્યા છે. સાથે જ તેઓ કપાસ અને એરંડા જેવા પાકોનું વાવેતર પણ કરી રહ્યા છે. બીપીનભાઈના જણાવ્યા મુજબ, મિલિયા ડુબીયા લીમડો સામન્ય દેશી લીમડાની સરખામણીએ ગણો અલગ છે. આ લીમડાનું વૃદ્ધ તાડની જેમ સીધું વિકાસ પામે છે લગભગ 60 ફૂટ જેટલું ઊંચું થાય છે. એક વાર વાવણી કર્યા પછી પાંચવાર તેનું કટિંગ કરી શકાય છે.
મિલિયા ડુબીયા લીમડાના લાકડાનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે દિવાસળીની સળીઓ અને ફર્નિચર બનવવા સહિતના કાર્યોમાં થાય છે. આ લીમડો વિકાસ પામ્યાં બાદ પ્રતિ લીમડાના વૃક્ષથી 4 થી 5 હજાર રૂપિયાની કમાણી થાય છે.
આ રીતે માત્ર અડધા વીઘા ખેતરમાં એરંડા અને કપાસ સહિતના સિજનીયા પાક સાથે 500 મિલિયા ડુબીયા લીમડાના વૃક્ષ વાવી ખેડૂત 4 વર્ષે 20 થી 25 લાખ ઉપરાંતની કમાણી કરી શકે છે. તેમજ આ લીમડાની વાવણી બાદ માવજત કરવા પાછળ પણ કોઈ ખર્ચ વેઠવો પડતો નથી.
આમ, કુકરવાડાના આ યુવા ખેડૂતે સરકારી સહાય અને પોતાની સુજબૂઝથી ઓછી જમીનમાં વાવેતરનો અનોખો પ્રયોગ કરી સફળ ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ ઓછી જમીનમાંથી વધુ નફો કેમ મેળવી શકાય તેવી પ્રેરણા પૂરી પાડી છે.