- કેન્દ્રીયપ્રધાન સ્મૃતી ઈરાની મંગળવારે ભાજપનો પ્રચાર કરવા ઊંઝા આવશે
- સ્મૃતિ પહેલા ઉમિયા માતાના દર્શન કરશે
- દર્શન બાદ ભાજપ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
- ઉદ્ઘાટન બાદ બાઇક રેલી અનવ સભાનું આયોજન
મહેસાણા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપમાં ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય નેતાઓ જિલ્લાના મુખ્ય શહેર મહેસાણાને પડતું મૂકી ઊંઝા ખાતે ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યા છે જે ચોક્કસ પણે ઊંઝામાં ભાજપ માટે મોટું જોખમ હોઈ, ત્યાં મતદારોને ભાજપ તરફે કરવા કેન્દ્રીય નેતાઓને ઉતારવા પડ્યા હોવાના સંજોગો દર્શાવી રહ્યું છે. ત્યારે મંગળવારે સાંજે કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની ઊંઝામાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. તે માટે ખાસ આયોજન ઊંઝા ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે.
સ્મૃતિ ઈરાની એક જ મુલાકાતમાં ઊંઝામાં દર્શન, ઉદ્ઘાટન અને રેલી પ્રસ્થાન કરાવશે
ઊંઝા ખાતે સ્મૃતિ ઈરાની આવવાના મેસેજ જ્યારે સોશિયલ મીડિયામાં ફરતા થયા છે ત્યાં જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર સહિતના લોકોને આ કાર્યક્રમથી અવગત નથી કરાયા. જોકે, ઊંઝા ભાજપના આંગણે યોજાનાર સ્મૃતિ ઈરાનીનો ચૂંટણી પ્રચાર પાટીદારોને આકર્ષવા ખાસ ઉમિયા માતાજી દર્શન અને ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રેલી પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, ઊંઝા ભાજપ સામે અપક્ષની મજબૂત પેનલ સક્રિય હોઈ, ભાજપને સ્મૃતિ ઇરાની દ્વારા કરાયેલો ચૂંટણી પ્રચાર કેટલો ફળદાયી નીવડે છે તે તો હવે જોવું રહ્યું.