ઊંઝા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિની ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદાન માટે ખેડૂતો અને વેપારીઓની લાઈનો જોવા મળી હતી. APMCના 12 ડિરેક્ટરોને ચૂંટવા માટે આ ચૂંટણી યોજાઈ છે. અહીં 12 સભ્યો માટે 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સવારે 9 વાગ્યાથી ચૂંટણી શરૂ થઈ ગઈ છે, ત્યારે પ્રથમ એક કલાકમાં 17 ટકા મતદાન નોંધાયુ છે. ચૂંટણી અધિકારી પ્રતિક ઉપાધ્યાયની અધ્યક્ષતામાં મતદાન ચાલી રહ્યું છે. APMCના 313 ખેડૂત અઅને 1631 વેપારીઓ મતાધિકારનો ઉપયોગ કરશે.
મહેસાણા નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલનો ગઢ છે, ઉપરાંત થોડા સમય પહેલા જ ઊંઝાના ધારાસભ્ય પક્ષપલ્ટો કરીને આવ્યા છે, ત્યારે ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં કોનું પલડુ ભારે રહેશે તે જોવું રહ્યું. ચૂંટણીમાં પૂર્વ ચેરમેન અને ધારાસભ્ય નારણ પટેલના પુત્રીની પેનલ સામે ધારાસભ્ય આશા પટેલના નજીક ગણાતા દિનેશ પટેલ અને શિવમ રાવલની પેનલ ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
ઉલ્લેખનીય છે કે એશિયાની નામાંકિત જીરા-વરિયાળા અને ઈસબગુલ જેવી ખેત પેદાશોના વેપાર માટે મહત્વનું પીઠુ ગણાતી ઊંઝા APMCમાં મતદાન ચાલી રહ્યું છે, જ્યાં આવતીકાલે પરિણામ જાહેર આવશે.