મહેસાણા: મહેસાણાના મહિલા સાંસદ શારદાબેન પટેલે કોરોના વાઇરસના સંક્રમણથી ગ્રામ્ય વિસ્તારના રહીશોને માસ્કની જરૂરિયાત સંતોષવા પોતે જાતે સિલાઈ મશીન ચલાવી કાપડના માસ્ક બનાવ્યા હતા. તેમજ સાંસદ શારદાબેન પટેલે બલોલ ગામની મહિલાઓને માસ્ક બનાવવાની કામગીરી શિખવાડી હતી અને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
હાલમાં દેશમાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે નાગરિકોને વાઇરસના સંક્રમણથી બચાવવા સરકાર સાથે સેવાભાવી લોકો મહત્વના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ મહામારીમાં લોકોને વાઇરસથી રક્ષણ અપાવવા માટે જિલ્લાના મહિલા સાંસદે પોતે જાતે જ સિલાઈ મશીન ચલાવી કપડાંના માસ્ક બનાવવાનું શરૂ કર્યું છે. તેમજ મહિલા સાંસદે બલોલ ગામની મહિલાઓને માસ્ક બનવવાની કામગીરી આપી હતી. અત્યાર સુધીમાં 15 હજારથી વધુ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે મહિલા સાંસદની પ્રેરણાથી મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોતાના ઘરે રહી રોજના 4 હજાર જેટલા માસ્ક બનાવે છે.
મહિલા સાંસદના આ ભગીરથ કાર્યથી હાલમાં ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને માસ્કની જરૂરિયાત પુરી પાડવાની સાથે માસ્ક બનાવવામાં મદદરૂપ બનતી મહિલાઓને રોજગારી પણ આપવામાં આવી રહી છે.