- કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ભોજન સમયે સામજિક અંતર ભુલાયું
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં બેઠક વ્યવસ્થા જળવાઈ
- કોરોના સંક્રમણમાં સામાજિક અંતર જરૂરી
મહેસાણાઃ શહેરમાં ટાઉનલ હોલમાં સુશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોરોના ગાઇડ લાઇનના નિયમોના ધજાગરા ઉડ્યા હતા. જ્યાં સુધી કિસાન કલ્યાણ કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત હતા, ત્યાં સુધી બેઠકમાં વ્યવસ્થા જાળવવામાં આવી હતી, પરંતુ ભોજન સમયે સામાજિક અંતર જળવાયું ન હતું.
લગ્નમાં 200 મહેમાનના ભોજનની છૂટ ત્યાં નિયમો નેવે મૂકી સરકારી કાર્યક્રમમાં 500નો જમણવાર
શહેરમાં ટાઉનહોલમાં શુક્રવારે યોજાયેલા સુશાસન દિનની ઊજવણી કાર્યક્રમમાં કોરોના ગાઇડ લાઇન જાળવીને બેઠક વ્યવસ્થામાં 500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જમણવાર સમયે સોશિયલ ડિસ્ટન્સ કોરાણે મૂકાયું હતું. અહીં 500 માણસોનો જમણવાર હતો અને એકસાથે ભીડ થઇ હતી. એક તરફ સરકારી તંત્ર લગ્ન પ્રસંગે માત્ર 200 વ્યક્તિની છૂટ આપે છે, ત્યાં સરકારી કાર્યક્રમમાં 500 વ્યક્તિનો જમણવાર બિન્દાસ્ત થતાં તંત્રના સામાજિક અને સરકારી કાર્યક્રમમાં કોવિડ ગાઇડલાઇન મામલે બેવડા ધોરણો સામે આવ્યા હતા.