મહેસાણાઃ કડી સેવા સદનમાં અરજદારો પોતાના કામ માટે આવતા હોય છે, જોકે અરજદારોને હેરાન પરેશાન કરી લાંચ લેવાતી હોવાની ચર્ચાએ છેલ્લા ઘણા સમયથી પંથકમાં જોર પકડયું હતું. પાપ છાપરે ચડીને પોકારે તેમ એક અરજદાર દ્વારા જમીન ૫૨, ૫૩ના ઉતારા તથા હક્ક પત્રક ૬ની નોંધો કઢાવવાની હોય છે. જે બાબતે મામલતદાર કચેરી કડી ખાતે જરૂરી આધાર પુરવા સાથે અરજી કરી ફી ભરેલી હોય તેમ છતાં જીશ્વાન સરવર રૂમના એન્જીનયર મનોજ ભૂરાએ ઝડપથી નકલો કાઢી આપવા રૂપિયા ૩,૦૦૦ની માગણી કરી હતી.
જો કે, નકલ માટે ફરિયાદી લાંચ આપવા ન માગતા હોઈ તેમને મહેસાણા ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતાં જે આધારે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવતા આરોપી મનોજ ભૂરાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદીને લાંચના રૂપિયા ૩,૦૦૦ પરેશ પટેલ નામના કોમ્પ્યુટર ઓપરેટરને આપવાનું કહેતા ઓપરેટર પરેશે રૂપિયા ૩,૦૦૦ સ્વીકારી લેતા ACBએ બન્ને આરોપીઓની સ્થળ ઉપર અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, પકડાયેલા બન્ને આરોપીઓ ખાનગી કર્મચારી તરીકે કડી સેવા સદનમાં ફરજ બજાવતા હતા.