- મતદાનના બે દિવસ પહેલાથી જ આચારસંહિતાનું ચુસ્ત પાલન
- કુલ 16,37,155 મતદારોના હાથમાં ઉમેદવારોના ભાવિ
- ચૂંટણી અને પોલીસ તંત્ર મતદાન કામગીરી માટે બન્યું સજ્જ
મહેસાણા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ચૂંટણી આયોગના નીતિનિયમ મુજબ મતદાનના બે દિવસ પહેલાથી જ આચારસંહિતાનું ચુસ્ત પાલન કરાવતા પ્રચાર પડઘમ શાંત કરાવવામાં આવ્યા છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયતની 42, 10 તાલુક પંચાયતની 216 અને 4 નગરપાલિકાના 38 વોર્ડ માટે કુલ 152 બેઠકો પરના ઉમેદવારો માટે ચૂંટણી પ્રક્રિયા કરતા 28 ફેબ્રુઆરી રવિવારના રોજ મતદાન પ્રક્રિયા થવાની છે. જેમાં 16,37,155 જેટલા મતદારોને મતાધિકાર આપવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી કામગીરી માટે કુલ 12,443 જેટલા કર્મચારીઓને ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે EVM મશીનનો ઉપયોગ મતદાન માટે થવાનો છે. જે સ્ટ્રોંગ રૂમમાંથી સીધા મતદાન મથકે લઈ જઈ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ટેસ્ટિંગ કરી મતદાન પ્રક્રિયામાં ઉપયોગી બનશે.